ભારતમાં તૈયાર થઈ ચૂકી ‘હર્ડ ઈમ્યૂનિટી’?

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ સહિત ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જાે કે ભારત માટે રાહતની વાત એ છે કે, દેશમાં રિકવરી રેટ ૬૪.૪૪ ટકા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભારતમાં વૅક્સીન આવ્યા પહેલા જ વધારે લોકોમાં કોરોના વાઈરસ પ્રતિ એન્ટીબાૅડી બની ચૂકી હશે. જાે કે કેન્દ્ર સરકારે હર્ડ ઈન્યૂનિટીને કોરોના સામેની જંગમાં રણનીતિક વિકલ્પ તરીકે નથી સ્વીકારી.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશોમાં હર્ડ ઈમ્યૂનિટી કોઈ રણનીતિક વિકલ્પ ના હોઈ શકે. જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થવાની સંખ્યા સતત વધવાની જાણકારી પણ આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઈરસને લઈને પ્રેસ કાૅન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે, કોરોના દર્દીઓના સ્વસ્થ થવાનો રેટ સકારાત્મક ટ્રેન્ડ દર્શાવે છે. એપ્રિલમાં આ દર ૭.૮૫% હતો, જે વધીને હવે ૬૪.૪% થઈ ગયો છે.
મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, “દેશના ૧૬ રાજ્યોમાં દર્દીઓના સ્વસ્થ થવાનો રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ છે. આ દર દિલ્હીમાં ૮૮%, લદ્દાખમાં ૮૦%, હરિયાણામાં ૭૮%, તેલંગાણામાં ૭૪%, તમિલનાડુ અને ગુજરાતમાં ૭૩% છે. આ ઉપરાંત રાજસ્થાનમાં ૭૦%, મધ્ય પ્રદેશમાં ૬૯% અને ગોવામાં ૬૮% દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે.
ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં હર્ડ ઈન્યૂનિટી કોઈ રણનીતિક વિકલ્પ ના હોઈ શકે. આ માત્ર વૅક્સીનથી જ ઠીક થશે. ભવિષ્યમાં હર્ડ ઈમ્યૂનિટી વિકલ્પ હોઈ શકે છે. જાે કે હાલ કોરોના વાઈરસ સામે અન્ય આવશ્યક વિકલ્પો પર કામ કરવાનું છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “હર્ડ ઈન્યૂનિટી કાં તો વૅક્સીન મારફતે અથવા તો એન્ટીબાૅડી દ્વારા બને છે. એટલે કે પહેલા બીમાર થયા બાદ લોકો તેનાથી સ્વસ્થ થઈ ચૂક્યાં છે. હર્ડ ઈમ્યૂનિટી બનાવી ભારત જેવા દેશ માટે ખૂબ જ જટિલ છે. આથી હર્ડ ઈમ્યૂનિટીનો પ્રયોગ કરવો શક્ય જ નથી.
દેશમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી ૧૦ લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. ડાૅક્ટરો, નર્સ સહિત અન્ય કોરોના વાૅરિયર્સના પગલે આ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે દેશમાં હજુ ૨.૨૧% મૃત્યુદર છે. જે વિશ્વના અનેક દેશો કરતાં શ્રેષ્ઠ છે. ૨૪ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુદર દેશના સરેરાશ મૃત્યુદર કરતાં ઓછો છે.”
ઉલ્લેખનીય છે કે, ભારતમાં એક દિવસમાં પ્રથમ વખત કોરોનાના ૫૦ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુરુવારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૫,૮૩,૭૯૨ પર પહોંચી ગઈ છે. સંક્રમણથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પર ૧૦ લાખની પાર પહોંચી ચૂકી છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૨,૧૨૩ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ ૭૭૫ લોકોના મરણ નોંધાયા છે. જે બાદ મૃતકોની સંખ્યા ૩૪,૯૬૮ પર પહોંચી ગઈ છે.