ભારતમાં દરરોજના નવા કેસની સંખ્યા એક લાખની નજીક
* કોરોનાની વણસતી હાલત: એકટીવ કેસ 2.85 લાખ: મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત સહિતના રાજયોમાં રોકેટગતિએ વધતા કેસ
નવી દિલ્હી: દેશમાં ઉતરપ્રદેશ, પંજાબ, ઉતરાખંડ, ગોવા તથા મણીપુરમાં યોજાનારી ધારાસભા ચૂંટણીનું બ્યુગલ હવે ગમે તે ઘડીએ ફુંકાઈ શકે છે. આજે કેન્દ્રીય ચૂંટણીપંચ તથા કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના સચીવ સહિતના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી રહી છે. જેમાં હાલ દેશમાં કોરોના ઓમિક્રોનના સતત વધતા જતા કેસ અને તેની સાથે સંકળાયેલી પરીસ્થિતિની ચર્ચા થઈ શકે છે.
ખાસ કરીને આ વાતાવરણ વચ્ચે કેવા નિયંત્રણો સાથે સભા, રેલીની છૂટ આપવી તેના પર વિચારણામાં આરોગ્ય મંત્રાલયે સંક્રમણની પરીસ્થિતિ કાબુ બહાર જઈ શકે છે તેવો ચિતાર આપ્યો છે અને તેથી પંચ હવે સભા-રેલીઓ તથા પ્રચારના ભીડભાળવાળા દ્રશ્યો પર કઈ રીતે લગામ લગાવે છે તેના પર સૌની નજર છે. ચૂંટણીપંચ અને સરકારની આ બેઠકમાં નીતિ આયોગના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો પણ હાજર રહેશે.
દેશ કોરોનાની ખતરનાક લહેર ભણી; રોજેરોજ નવા કેસમાં ધરખમ વધારો
ચૂંટણી પંચની આરોગ્ય સચિવ સાથે મહત્વપૂર્ણ બેઠક: ઉતરપ્રદેશ સહિતના રાજયોની ચૂંટણી વિશે મંથન: સભા-રેલીઓ યોજવા મુદે પ્રતિબંધની શકયતા: કોવિડ ટાસ્કફોર્સ પણ બેઠકમાં સામેલ
સમગ્ર બેઠક વિડીયો કોન્ફરન્સથી યોજાશે. બીજી તરફ આજે દેશમાં કોરોના 90928 નવા કેસ નોંધાતા હવે ત્રીજી લહેરના પ્રારંભમાં જ બીજી લહેરના પીક નજીકના કેસ નોંધાઈ ગયા છે અને ગઈકાલના કેસ કરતા 56.6% નો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 325 મૃત્યુ થયા છે.
આ છેલ્લા 200 દિવસના સૌથી વધુ કેસ નોંધાયા છે. એકલા મુંબઈમાં જ 15000થી વધુ લોકો વાયરસની ચપેટમાં આવી ગયા છે અને ઓમિક્રોન સંક્રમીત લોકોની સંખ્યા 2000ને પાર થઈ ગઈ છે. દિલ્હીમાં પણ છેલ્લા 24 ક્લાકમાં 10000 કેસ આવ્યા છે.