ભારતમાં નકલી નોટો ઘૂસાડવા પાક.નો નવો ચહેરો શારિક

નવી દિલ્હી, નકલી નોટો દ્વારા આતંકવાદીઓને ફન્ડિંગ કરવું, ભારતમાં હવાલા કારોબારને હવા આપવી, આ બધા પાકિસ્તાનના એવા ષડયંત્રો છે જે હવે જગજાહેર થઈ ચુક્યા છે. છેલ્લા અનેક વર્ષોથી પાકિસ્તનનું આઈએસઆઈ ભારતમાં નકલી નોટોનું સપ્લાય કરી રહ્યું છે. હવે એ વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે જેને પાકિસ્તાને પોતાનો નવો ચહેરો બનાવ્યો છે અને તેના દ્વારા ભારતમાં મોટા પાયે નકલી નોટ મોકલવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના સંભલનો રહેવાસી શારિક ઉર્ફે સટ્ટાને આઈએસઆઈએ પોતાના નવા ચહેરા તરીકે પસંદ કર્યો છે. દુબઈમાં બેસીને શારિક દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં નકલી નોટો સપ્લાય કરી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના સંભલથી આલમ અને દિલ્હીથી ઝાકિર નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી તેના દ્વારા પોલીસને શારિક વિશે માહિતી મળી હતી. બંને પાસેથી ૪ લાખની નકલી નોટો મળી આવી હતી અને પુછપરછ દરમિયાન તેમણે શારિકનું નામ આપ્યું હતું. ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, શારિક પર દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ૫૦થી વધારે કેસ નોંધાયેલા છે. સ્પેશિયલ સેલના ડીસીપીના કહેવા પ્રમાણે શારિક ઉર્ફે સટ્ટા એક સમયે ચોરીની ગાડીઓ ખરીદવાનું કામ કરતો હતો. તે ચોરીની ગાડીઓનો એટલો મોટો રીસિવર બની ગયો હતો કે, ઉત્તર પ્રદેશ પોલીસે તેના વિરૂદ્ધ એનએસએ અંતર્ગત એક્શન લીધી હતી. જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ તે એજન્સીઓને ચકમો આપીને ભારતમાંથી ફરાર થઈ ગયો હતો અને દુબઈમાં રહેવા લાગ્યો હતો.
બાદમાં આઈએસઆઈએ તેનો સંપર્ક સાધ્યો હતો અને તે એમના માટે કામ કરવા લાગ્યો હતો. શારિક પહેલા નકલી નોટોનું આ કામ ઈકબાલ કાના સંભાળતો હતો. તે પણ ભારતમાં નકલી નોટોનો સપ્લયા કરતો હતો. તે ઉત્તર પ્રદેશના કૈરાનાનો રહેવાસી હતો અને વર્ષો પહેલા પાકિસ્તાનમાં શિફ્ટ થઈ ગયો હતો. આઈએસઆઈએ તેને ત્યાં નકલી નોટોના કારોબારની જવાબદારી સોંપી હતી. બાદમાં બિહાર ખાતેના ટ્રેન બ્લાસ્ટની તપાસમાં સામે આવ્યું હતું કે, આઈએસઆઈએ તેને જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠન માટે ભારતમાંથી છોકરાઓ રિક્રૂટ કરીને ટ્રેનમાં બ્લાસ્ટ કરાવવાની જવાબદારી સોંપી હતી. આઈએસઆઈને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે ભારતમાં લોકલ નેટવર્ક ધરાવતી હોય અને નકલી નોટોના કાળા કારોબારને ચલાવી શકે. શારિક ઉર્ફે સટ્ટા દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં લક્ઝરી ગાડીઓની ચોરીની પોતાની ગેંગ ચલાવતો હતો અને હવે તે દુબઈમાં રહીને તે લોકલ ગેંગના માણસો દ્વારા નકલી નોટોના કારોબારને આગળ ધપાવી રહ્યો છે.SSS