Western Times News

Gujarati News

ભારતમાં નિર્ધારિત સમય મર્યાદા પહેલાં જ વાઘની સંખ્યા બમણી થઇ: પ્રધાનમંત્રી

File

ભારત માઇક્રો પ્લાસ્ટિકના કારણે ફેલાતા પ્રદૂષણને નાથવા માટે દરીયાઇ કચવા નીતિ (Marine Turtle Policy) અને દરીયાઇ સ્થાયી વ્યવસ્થાપન નીતિ અમલમાં લાવશે

ગાંધીનગર,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓની પ્રજાતિઓના સંરક્ષણ માટેની 13મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં સૌથી વધુ વૈવિધ્ય ધરાવતા દેશોમાંથી એક છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં કુલ ભૂમિવિસ્તારમાંથી 2.4% હિસ્સા સાથે ભારત વૈશ્વિક જૈવવિવિધતામાં અંદાજે 8% જેટલું યોગદાન આપે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રાચીનકાળથી વન્ય જીવોનું સંરક્ષણ અને આવાસ ભારતની સાંસ્કૃતિક નીતિનો હિસ્સો રહ્યા છે, જે કરુણાભાવ અને સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, “ગાંધીજીના વિચારોથી પ્રેરાઇને, અહિંસા અને પ્રાણીઓ તેમજ પ્રકૃતિના સંરક્ષણની નીતિનો ભારતના બંધારણમાં યથાયોગ્ય અમલ કરવામાં આવ્યો છે અને કેટલાક કાયદા તેમજ કાનૂનોમાં તે સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે.”

પ્રધાનમંત્રીએ ભારતમાં વન્ય આવરણમાં વધારો કરવાની જરૂર હોવાનું કહ્યું હતું. હાલમાં દેશમાં કુલ ભૌગોલિક વિસ્તારમાંથી 21.67% વિસ્તારમાં વન્ય આવરણ છે. ભારત કેવી રીતે સંરક્ષણ, અનુકૂળ જીવનશૈલી અને હરિત વિકાસ મોડેલ દ્વારા “ક્લાઇમેટ એક્શન”ને સમર્થન આપે છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ સંદર્ભમાં ટાંક્યું હતું કે, આ માટે ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટ સિટી અને જળ સંરક્ષણ માટે આગ્રહ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, ભારત એવા કેટલાક દેશોમાંથી એક છે જેની કામગીરી તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ ઓછી વૃદ્ધિના પેરિસ સમજૂતીના લક્ષ્યને અનુરૂપ છે.

પ્રધાનમંત્રીએ ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ પર કેન્દ્રિત કાર્યક્રમોથી કેવા પરિણામો પ્રાપ્ત થયા છે તેનું વર્ણન કર્યું હતું. તેમણે અવલોકન કર્યું હતું કે, ”વર્ષ 2010માં ભારતમાં વાઘની સંખ્યા 1411 હતી જે 2022 સુધીમાં બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં હાંસલ થઇ ગયું છે અને હાલમાં વાઘની સંખ્યા 2967 છે.” સંમેલનમાં ઉપસ્થિત ટાઇગર રેન્જ દેશો અને અન્ય દેશોને તેમણે સીમાચિહ્નરૂપ પ્રવૃત્તિઓનું આદાનપ્રદાન કરીને વાઘના સંરક્ષણની કામગીરી વધુ મજબૂત કરવાની અપીલ કરી હતી. એશિયાઇ હાથીઓના સંરક્ષણ માટે ભારત દ્વારા હાથ ધરાયેલી પહેલ વિશે તેમણે જણાવ્યું હતું. તેમણે હીમપ્રદેશના દીપડા, એશિયાઇ સિંહ, એક શ્રૃંગી ગેંડા અને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે કેવા પ્રયાસો હાથ ધરવા તે વિશે પણ જણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે મેસ્કોટ ‘ગિબિ  – ધ ગ્રેટ’ એ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને સમર્પિત છે.

તેમણે એમ પણ નોંધ્યું હતું કે, CMS COP 13 લોગો દક્ષિણ ભારતના પરંપરાગત ‘કોલમ’થી પ્રેરિત છે જે પ્રકૃતિ સાથે સૌહાર્દપૂર્ણ જીવનના સંદર્ભમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘અતિથિ દેવો ભવઃ’નો મંત્ર CMS COP 13: “સ્થળાંતર કરતી પ્રજાતિઓની પૃથ્વીને સાંકળે છે અને અમે તેમને અમારા ઘરમાં આવકારીએ છીએ”ની થીમમાં પ્રતિત થાય છે. પ્રધાનમંત્રી આગામી ત્રણ વર્ષ સુધી આ સંમેલનનું અધ્યક્ષપદ સંભાળશે ત્યારે તેમણે ભારતના કેટલાક પ્રાથમિકતાના ક્ષેત્રો વિશે પણ વિસ્તૃત વર્ણન કર્યું હતું.

સ્થળાંતર કરતા પક્ષીઓ માટે ભારત મધ્ય એશિયાઇ ઉડાન માર્ગનો એક હિસ્સો છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મધ્ય એશિયાઇ ઉડાન માર્ગના પક્ષીઓ અને તેમના નિવાસસ્થાનના સંરક્ષણને ધ્યાનમાં રાખીને, ભારતે ‘મધ્ય એશિયાઇ ઉડાન માર્ગના સ્થળાંતર કરતા પક્ષીઓના સંરક્ષણ માટે રાષ્ટ્રીય એક્શન પ્લાન’ તૈયાર કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ સંદર્ભે એક્શન પ્લાન તૈયાર કરવા માગતા અન્ય દેશોને સુવિધા પૂરી પાડવામાં ભારતને આનંદ થશે. અમે તમામ મધ્ય એશિયાઇ ઉડાન માર્ગ રેંજ દેશોના સક્રિય સહયોગથી સ્થળાંતર કરનારા પક્ષીઓના સંરક્ષણ માટે એક નવું ઉદાહરણ પૂરું પાડવા આતુર છીએ.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત આસિયાન અને પૂર્વ એશિયાના સમિટ દેશો સાથે વધુ મજબૂત જોડાણનો પ્રસ્તાવ મૂકે છે. તેમણે ઉમેર્યું હતું કે, તે ઇન્ડો પેસિફિક સમુદ્રી પહેલ (IPOI)ને સુસંગત હશે જેમાં ભારત નેતૃત્વની ભૂમિકા નિભાવશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત 2020 સુધીમાં તેની દરિયાઇ કાચવા નીતિ અને દરિયાઇ સ્થાઇ વ્યવસ્થાપન નીતિનો અમલ કરશે. તેમણે જણાવ્યું કે, આનાથી માઇક્રો પ્લાસ્ટિકના કારણે ફેલાતા પ્રદૂષણને પણ નાથવામા આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણના સંરક્ષણ માટે મોટો પડકાર છે અને ભારતે આવા પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે મિશન શરૂ કર્યું છે.

ભારતમાં કેટલાક સંરક્ષિત વિસ્તારો પડોશી દેશોના સંરક્ષિત વિસ્તારો સાથે સહિયારી સરહદો ધરાવે છે તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘સરહદપાર સંરક્ષિત વિસ્તાર’ સ્થાપીને વન્યજીવોના સંરક્ષણમાં સહકાર સાધવાથી ખૂબ જ સકારાત્મક પરિણામો મળશે. સાતત્યપૂર્ણ વિકાસના માર્ગે આગળ વધવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, પરિસ્થિતિ વિજ્ઞાનની દૃષ્ટિએ નાજૂક વિસ્તારોમાં વિશેષ વિકાસ માટે સૂરેખ માળખાકીય સુવિધા નીતિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ”ની લાગણી સાથે દેશના વન વિસ્તારની આસપાસમાં રહેતા લાખો લોકોને હવે કેવી રીતે સંયુક્ત વનીકરણ વ્યવસ્થાપન સમિતિઓ અને ઇકો ડેવલપમેન્ટ સમિતિના રૂપમાં એકીકૃત કરવામાં આવ્યા છે અને જંગલો તેમજ વન્યજીવનના સંરક્ષણ સાથે તે સમિતિઓ કેવી રીતે સંકળાયેલી છે તેનું પણ વર્ણન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.