ભારતમાં ન્યુમોનિયાથી પ્રતિ કલાક ૧૪થી વધુ બાળકોના મોત
નવી દિલ્હી, ભારતમાં ૨૦૧૮માં પ્રતિ કલાક પાંચ વર્ષથી ઓછી વયના ૧૪થી વધુ બાળકોના મોત ન્યુમોનિયાથી થયા છે, આ માહિતી એક સ્ટડી થકી જાણવા મળી છે. ભારત – ૨૦૧૮માં વૈશ્વિક સ્તર પર ન્યુમોનિયાની બિમારીને કારણે થનાર બાળકોના અડધાથી વધુ મોત માટે જવાબદાર ટોપ પાંચ દેશોમાં પૈકી એક છે. ‘સેવ ધ ચિલ્ડ્રન’, યુનિસેફ અને ‘એવરી બર્થ કાઉન્ટ્સ’ દ્વારા કરાયેલા સ્ટડી – ‘ભારતમાં શ્વાસ લેવાની લડાઈ’માં કહેવાયું છે કે, ન્યુમોનિયાથી ૨૦૧૮માં પાંચ વર્ષથી ઓછી વયના ૧૨૭૦૦૦ બાળકોના મોત થયા છે.
ન્યુમોનિયા એ બાળકોની મોત માટે વિશ્વમાં મુખ્ય અને આક્રમક બીમારી સાબિત થયો છે, જેનાથી પ્રતિ વર્ષ પાંચ વર્ષથી ઓછી વયના આઠ લાખથી વધુ બાળકોના મોત થાય છે. અર્થાત પ્રતિ દિવસ દુનિયામાં ૨૦૦૦થી વધુ બાળકોના મોત ન્યુમોનિયાથી થાય છે. આ સ્ટડીમાં કહેવાયું છે કે, ભારતમાં ૨૦૧૭માં ન્યુમોનિયાના કારણે ૧૪ ટકા બાળકોના મોત થયા છે. વર્ષ ૨૦૧૮માં ન્યુમોનિયાથી પાંચ વર્ષથી ઓછી વયના ૧૨૭૦૦૦ બાળકોના મોત થયા છે. યુનિસેફના એકિઝકયુટિવ ડાયરેકટર હેનેરીટા ફોરે કહ્યું કે, આ બીમારીની વિરુદ્ઘ લડવા માટે વૈશ્વિક પ્રતિબદ્ઘતા અને આર્થિક સહયોગમાં વૃદ્ઘિ કરવી જરૂરી છે.