ભારતમાં પ્રતિબંધ બાદ ટિકટોકને છ અબજ ડોલરનું નુકશાન થયું
ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારતીય પ્રતિબંધના સમાચારોને ચમકાવીને કંપનીઓના નુકસાન પર ફોડ પાડ્યો: પ્રતિબંધથી ચીનમાં આક્રોશ |
બેઇજિંગ, મોદી સરકારે સોમવારથી ભારતમાં ૫૯ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારબાદથી દેશમાં એક વર્ગમાં ચર્ચા ચાલી રહી છે કે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી ચીનને કેટલું આર્થિક નુકસાન થશે અને આ એપ્સ પર પ્રતિબંધ મૂકવાથી ભારતને કેટલો ફાયદો થશે? ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે તેના એક લેખ દ્વારા આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. ચીનના સરકારી અખબારના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે ટિકટોક પ્રતિબંધ બાદ તેની મૂળ કંપની બાઇટડાન્સ એક જ ઝાટકામાં કેટલાંક લાખ કરોડ ગુમાવવાની આરે આવી ગઈ છે. ગ્લોબલ ટાઇમ્સનો આ લેખ બુધવારની આખી રાત ટિ્વટર પર ચર્ચાનો વિષય રહ્યો છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ચીનની ઇન્ટરનેટ કંપની બાઇટડાન્સને ટિકટોક પર પ્રતિબંધ બાદ છ અબજ ડોલર (૪,૫૨,૬૮,૫૩,૦૦,૦૦૦ રૂપિયા) નું નુકસાન થયું છે.
ગ્લોબલ ટાઇમ્સના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલે પોસ્ટ કર્યું છે કે, “ચીની ઇન્ટરનેટ કંપની-ભારત સરકાર તરફથી ટિકટોક સહિત ૫૯ ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યા પછી, ટિકટોકની પેરેંટ કંપની છ અબજ ડોલર સુધીનું નુકસાન કરી શકે છે. ગયા મહિને ભારત અને ચીની સૈન્યની સરહદ પર હિંસક મુકાબલો થયા બાદ ભારત સરકારે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. મોદી સરકારે ચીનને મોટો ફટકો આપતા ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
જે એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ટિકટોક, શેરઇટ, બાયડૂ મેપ, ડીયુ બેટરી સેવર, હેલો, લાઇક, યુકેમ મેકઅપની, મી કોમ્યુની, સીએમ બ્રાઉઝર, વાયરસ, ક્લાય મેલ, યુસી બ્રાઉઝર, વીચેટ, બ્યુટીકેમ, શેરાઇટ અને કેમ સ્કેનર કેટલીક એપ્લિકેશનો શામેલ છે. ગ્લોબલ ટાઇમ્સે ભારતના ઇલેક્ટ્રોનિક અને આઇટી પ્રધાનના નિવેદનને ખૂબજ સારી રીતે પ્રગટ કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ પગલું કરોડો ભારતીય મોબાઇલ વપરાશકારોના હિતોને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યું છે.
ભારતીય સાયબર સ્પેસની સાર્વભૌમત્વ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ ભારતમાં એપ્લિકેશન્સ પ્રતિબંધ બાદ અમેરિકાએ પણ આ નિર્ણયની પ્રશંસા કરી છે, યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પેયોએ કહ્યું છે કે મોદી સરકારના નિર્ણયથી ભારતની અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થશે. તેમણે કહ્યું હતું કે, ચીની એપ્સ ચાઈનિસ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) ના એજન્ડાને જ આગળ વધારે છે. ભારતમાં ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ ચીની કંપનીઓનો પ્રતિક્રિયા આવી રહી છે. ટિકટોકે તેની સ્પષ્ટતામાં જણાવ્યું છે કે અમે કોઈપણ રીતે ચીન સાથે ડેટા શેર કરતા નથી. ટિકટોક ઈન્ડિયાના વડા નિખિલ ગાંધીએ કહ્યું કે, અમને સંબંધિત સરકારી હિસ્સેદારો સાથે જવાબ આપવા અને સ્પષ્ટતા કરવા કહેવામાં આવ્યું છે.
જોકે, ગ્લોબલ ટાઇમ્સના તંત્રી હુ શિજિને ભારત સરકારના નિર્ણય પછી એક ટિ્વટ દ્વારા તેની મજાક કરવાનો પ્રયાસ કર્યો હતો. હુ શિજિને ટિ્વટર પર લખ્યું, જો ચીનના લોકો ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માગતા હોય તો પણ તેમને આ માટે ઘણી ભારતીય વસ્તુ મળતી નથી. ભારતીય મિત્રો, જો તમને આવી ચીજોની જરૂર હોય, તો તે રાષ્ટ્રવાદ કરતા વધારે મહત્વનું છે. ૧૫ જૂને ગલવાન ખીણમાં હિંસક મુકાબલામાં ૨૦ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. ત્યારબાદથી શિજિન ટિ્વટર પર ભારત વિરોધી ટિપ્પણીઓ કરી રહ્યા છે. શિજિનના આ ટ્વીટ પછી તે અચાનક જ ટિ્વટર પર ટ્રોલ થઈ ગયા. કોઈ ફણ ઘટનાક્રમો પર પોતાની રીતે જવાબ આપવા માટે જાણીતા આનંદ મહિન્દ્રાએ પણ શિજિનને જોરદાર જવાબ આપ્યો.