ભારતમાં બની રહેલી કોવિશીલ્ડ પહેલા ડોઝમાં 90% અસરદાર
નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસ 91 લાખને પાર થઈ ગયા છે. અત્યાર સુધીમાં 1.33 લાખથી વધુ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ બધાની વચ્ચે કોરોનાની વેક્સીનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, દેશમાં હાલ 5 વેક્સીન પોતાની પ્રોસેસના અંતિમ ચરણમાં છે. તે પૈકી બે વેક્સીન ફેબ્રુઆરી 2021 સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે.
આ દરમિયાન ભારતમાં બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી- AstraZenecaની સાથે મળી કોરોના વેક્સીન પર કામ કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટએ જણાવ્યું કે AZD1222 કોરોના વાયરસથી બચાવમાં 90 ટકા અસરદાર રહી છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે યૂકે અને બ્રાઝીલમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં વેક્સીન (AZD1222) ઘણી અસરદાર રહી છે. અડધા ડોઝમાં આપવામાં આવેલી વેક્સીન 90 ટકા સુધી અસરદાર જોવા મળી.
ત્યારબાદ બીજા મહિનામાં ફુલ ડોઝ આપવામાં આવતા 62 ટકા અસરદાર જોવા મળી. તેના એક મહિના બાદ ફરીથી બે ફુલ ડોઝમાં વેક્સીનની અસર 70 ટકા જોવા મળી. આ વેક્સીન પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે. ભારતમાં આ વેક્સીન ‘કોવિશીલ્ડ’ નામથી ઉપલબ્ધ થશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માનીએ તો દુનિયાભરમાં ભારત સહિત 212 સ્થળો પર વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. આ 212માં 164 વેક્સીન હજુ પ્રી-ક્લીનિકલ સ્ટેજમાં છે. સારી વાત એ છે કે 11 વેક્સીન અંતિમ ચરણના ટ્રાયલ્સમાં છે. તેમાં ફાઇઝર-બાયોએનટેક અને અમેરિકાની ફાર્મા.કંપની મોડર્નાએ પોતાની કોવિડ-19 વેક્સીનના હ્યૂમન ટ્રાયલના પરિણામ જાહેર કર્યા છે.
મોડર્નાને 94.5 ટકા અને ફાઇઝર-બાયોએનટેકનો 95 ટકા પ્રભાવી હોવાના અહેવાલ છે. ટૂંક સમયમાં જ આ કંપનીઓ અપ્રૂવલ માટે અરજી કરવાની છે, જેનાથી આ વર્ષના અંત સુધી તેનું પ્રોડક્શન શરૂ થશે અને વહેલી તકે આપણા સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ થઈ શકે.