ભારતમાં બે કરોડ લોકો ફરીથી ગરીબ બની શકે
મોટાભાગના નિષ્ણાતો આ નુકસાન માટે કોરોના વાયરસ બાદ થયેલા લોકડાઉનને જવાબદાર હાલ ગણાવી રહ્યા
નવી દિલ્હી, કોરોના વાયરસની મહામારીએ કરોડો ભારતીયોના સપનાને વેરવિખેર કરી નાખ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા જે ઝડપથી વિકસી રહી હતી તે બિલકુલ અટકી ગઈ છે. લાખો લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા હતા. મેગાસિટી ઊભા થઈ રહ્યા હતા, ભારતની તાકાત વધી રહી હતી અને એક આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર હતો. પરંતુ દેશભરમાં જે આર્થિક સ્થિતિ સર્જાઇ છે તેના કારણે ચિંતા અનેકગણી વધી ગઈ છે.
ભારતની અર્થવ્યવસ્થા અન્ય દેશ કરતા ઝડપથી તૂટી રહી છે. ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં અનુસાર અંદાજિત ૨ કરોડ જેટલા લોકો ફરીથી ગરીબીમાં જઇ શકે છે. મોટાભાગના નિષ્ણાતો આ નુકસાન માટે લોકડાઉનને જવાબદાર ગણાવી રહ્યા છે. દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ શું છે તેને તમે સુરતની ટેક્સટાઇલ મિલોમાં જોઈ શકો છો.
જે મીલોને ઉભી કરવામાં પેઢીઓ લાગી ગઈ હતી ત્યાં હવે ઉત્પાદન પહેલાની સરખામણીએ ૧/૧૦ જેટલું રહી ગયું છે. ભારત સાડીઓને ફિનિશિંગ ટચ આપવાનું કામ કરતા અહીંના હજારો પરિવારોના લટકતા ચહેરાઓમાં ભારતની સાચી દશા જોવા મળશે. પરંતુ હવે આ લોકો શાકભાજી અને દૂધ વેચવા મજબૂર છે. મોબાઇલ ફોનની દુકાન હોય કે અન્ય કોઈ સ્ટોર એક સન્નાટો પસરાયેલ છે. છેલ્લા ક્વાર્ટરમાં ભારતનું અર્થતંત્ર ૨૪% ઘટ્યું હતું જ્યારે ચીન ફરીથી વિકાસ કરી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓ તો એમ પણ કહે છે કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા(અમેરિકા, ચીન, જાપાન, જર્મની પછી) હોવાનું ગૌરવ પણ ગુમાવી શકે છે.
નિષ્ણાત કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું લોકડાઉન કડક હતું પરંતુ તેમાં ઘણી ભૂલો હતી. તેનાથી અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે તેટલું નહીં પરંતુ વાયરસ પણ ઝડપથી ફેલાયો છે. ભારતમાં હવે કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને દરરોજ ૮૦ હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. દેશની આર્થિક પરિસ્થિતિ પહેલાથી જ ડામાડોળ ચાલી રહી છે.
ઉપરથી ચીન સાથેની સરહદ પર વિવાદ વકર્યો છે. પ્રખ્યાત લેખક અરુંધતી રોયે ધ ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું, “એન્જિન ખરાબ થઈ ગયું છે. તેની વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા ખતમ કરી નાખવામાં છે. અને તેના ટુકડા હવામાં ફેંકી દેવામાં આવ્યાં છે, તમને ખબર નથી કે તે ક્યારે અને કેવી રીતે પડશે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ડેવલોપમેન્ટ ઈકોનોમિસ્ટ જયંતી ઘોષે કહ્યું કે, આઝાદી પછીનો ભારતનો કદાચ સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. SSS