ભારતમાં બે હજાર રૂપિયાની સૌથી વધારે નોટો: અહેવાલ
નોટબંધી બાદ ૨૦૦૦ રુપિયાની નોટ લોંચ થઈ ત્યારે તેની નકલી નોટ નહીં બની શકે તેવા દાવા કરવામાં આવ્યા હતા
નવી દિલ્હી, સરકારે ચાર વર્ષ પહેલા ડિમોનેટાઇઝેશન કર્યું હતું. જેનો એક હેતુ નકલી નોટોની સમસ્યાથી છૂટકારો મેળવવાનો હતો.
તે સમયે સરકારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી. આ પછી સરકાર ૨૦૦૦ રૂપિયાની નવી નોટ લઈને આવી. પરંતુ ગત વર્ષે જેટલી પણ નકલી નોટ પકડવામાં આવી તે તમામ નકલી નોટોમાંથી મહત્તમ ૨૦૦૦ રૂપિયાની નોટ હતી.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના વાર્ષિક અહેવાલમાં આ વાત સામે આવી છે. આ આંકડા એ પણ બતાવે છે કે નકલી નોટોના કેસોની સંખ્યા ૨૦૧૮ની તુલનામાં ૨૦૧૯માં વધી છે.
એનસીઆરબીના ડેટા અનુસાર, ૨૦૧૯માં દેશમાં ૨૫.૩૯ કરોડ રૂપિયાની નકલી નોટો પકડાઇ હતી, જ્યારે ૨૦૧૮ માં આ રકમ ૧૭.૯૫ કરોડ રૂપિયા હતી. સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી.
તે પછી સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટ લઈને આવી. ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે આ નોટમાં ખૂબ જ ઉચ્ચ સુરક્ષા ફીચર્સ છે જેથી તેની નકલ કરી શકાતી નથી.
એનસીઆરબીના જણાવ્યા અનુસાર ૨૦૧૯માં ૨૦૦૦ રૂપિયાની ૯૦,૫૬૬ની નોટો પકડાઇ હતી. ૨૦૦૦ રૂપિયાની સૌથી વધુ ૨૩,૫૯૯ નકલી નોટો કર્ણાટકથી ઝડપાઇ હતી.
ત્યારબાદ અનુક્રમે ૧૪,૪૯૪ નકલી નોટો ગુજરાતમાંથી અને ૧૩,૬૩૭ પશ્ચિમ બંગાળમાંથી મળી આવી હતી. ૨૫ ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા ૨૦૧૯-૨૦ના આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર,
છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્રિય બેંકે ૨૦૦૦ રૂપિયાની એક પણ નોટ છાપી નથી. દેશમાં ૨૦૦૦ રૂપિયાની નોટોના પરિભ્રમણમાં ઘટાડો થયો છે.
જ્યારે ૨૦૧૭-૧૮માં ૩.૬ અબજની નોટો ચલણમાં હતી, જ્યારે ૨૦૧૯-૨૦માં આ સંખ્યા ૨.૭૩ અબજ થઈ ગઈ છે. એનસીઆરબીના રિપોર્ટમાં જણાવાયું છે કે ગયા વર્ષે ૧૦૦ રૂપિયાની ૭૧,૮૧૭ નકલી નોટો ઝડપાઇ હતી.
તેમાંથી સૌથી વધુ ૩૧,૬૭૧ નોટો દિલ્હીથી જપ્ત કરવામાં આવી છે. ગુજરાતમાંથી ૧૬,૧૫૯ અને ઉત્તર પ્રદેશની ૬,૧૨૯ નોટો ઝડપાઇ હતી.SSS