ભારતમાં રહી ગયેલા રોહિંગ્યાઓને મ્યાનમાર પાછા મોકલવાની કવાયત શરુ
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાંથી ઘૂસણખોરી કરીને ભારતમાં જમ્મુ સહિતના કેટલાક વિસ્તારોમાં વસી ગયેલા રોહિંગ્યાઓને હવે તેમના દેશ પાછા મોકલવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે. મોદી સરકારના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, રોહિંગ્યાઓ મ્યાનમારથી ભારતમાં આવી ગયા છે એટલે તેમને પાછુ જવુ પડશે. કારણકે નાગરિકતા બિલમાં રોહિંગ્યાઓને કોઈ લેવા દેવા નથી. તેઓ નથી બિલમાં કરેલા સુધારા પ્રમાણેની 6 ધાર્મિક લઘુમતીઓમાં આવતા અને નથી તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાંથી આવ્યા.તેમને પાછા જવુ પડશે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુમાં જ 15000 જેટલા રોહિંગ્યા રહેતા હોવાનુ મનાય છે.આ સિવાયના સ્થળોએ પણ રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશમાંથી આવીને રહી ગયા છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, રોહિંગ્યા કેવી રીતે પશ્ચિમ બંગાળમાંથી જમ્મુ સુધી આવી ગયા તેની પણ તપાસની જરુર છે. નાગરિકતા કાયદો જમ્મુ કાશ્મીરમાં પણ ભાતરની જેમ લાગુ થઈ ગયો છે. જમ્મુમાં રહેતા રોહિંગ્યાઓનુ લિસ્ટ તૈયાર કરાઈ રહ્યુ છે. તેમને નાગરિકતા બિલનો લાભ મળવાનો નથી.