ભારતમાં સક્રિય કેસનું ભારણ સતત ઘટાડા સાથે માત્ર 3.08 લાખ રહ્યું
ભારતમાં પરીક્ષણોની સંખ્યામાં પ્રચંડ વૃદ્ધિ: કુલ પરીક્ષણોની સંખ્યા 16 કરોડથી વધુ- રાષ્ટ્રીય સરેરાશ પોઝિટીવિટી દર ઘટીને 6.25% થયો
ભારતમાં થોડા અઠવાડિયા અગાઉ શરૂ થયેલું સક્રિય કેસમાં ઘટાડાનું વલણ સતત જળવાઇ રહ્યું હોવાથી હવે સક્રિય કેસનું ભારણ ઘટીને કુલ પોઝિટીવ કેસમાંથી માત્ર 3.09% રહ્યું છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસની સરખામણીએ નવા સાજા થયેલા કેસની સંખ્યામાં વધુ રહી છે. દૈનિક ધોરણે નવા પોઝિટીવ કેસ કરતા નવા સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ રહેવાનું વલણ એકધારું જળવાઇ રહ્યું હોવાથી ભારતમાં આજે સક્રિય કેસનું ભારણ ઘટીને માત્ર 3,08,751 થઇ રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના નવા 25,152 કેસ પોઝિટીવ મળી આવ્યા છે જ્યારે આટલા જ સમયમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 29,885 નોંધાઇ છે. દૈનિક ધોરણે સક્રિય કેસની સંખ્યામાં પણ સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. આના કારણે છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની કુલ સંખ્યામાં 5,080 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હોવાથી ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસની સંખ્યા (223) દુનિયામાં સૌથી ઓછા દર પૈકી એક છે. ભારતે વૈશ્વિક મહામારી સામેની લડાઇમાં વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતમાં કુલ પરીક્ષણોની સંખ્યાનો આંકડો 16 કરોડ કરતાં વધારે નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 11,71,868 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાથી ભારતમાં આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા વધીને 16,00,90,514 સુધી પહોંચી ગઇ છે. ભારતમાં દૈનિક ધોરણે પરીક્ષણની ક્ષમતા પણ વધીને 15 લાખ સુધી પહોંચી ગઇ છે.
ટકાઉક્ષમ ધોરણે વ્યાપક અને સઘન પરીક્ષણોના કારણે પોઝિટીવિટી દર ઓછો કરવામાં ઘણી મદદ મળી છે. આજે દેશમાં કુલ સરેરાશ પોઝિટીવિટી દર ઘટીને 6.25% નોંધાયો હતો. 15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોઝિટિવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે.