Western Times News

Gujarati News

ભારતમાં સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે, સક્રિય કેસો 2.83 લાખ

16 સપ્ટેમ્બર, 2020ના રોજ એકટીવ કેસો 10 લાખની નજીક પહોંચ્યા હતા

છેલ્લા 11 દિવસથી સતત દૈનિક ધોરણે 30 હજારથી ઓછા નવા કેસ નોંધાઇ રહ્યાં છે-દૈનિક મૃત્યુઆંક છેલ્લા 12 દિવસથી 400થી ઓછો નોંધાઇ રહ્યો છે

ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. સક્રિય કેસની સંખ્યા ઘટીને આજે 2,83,849 નોંધાઇ છે. દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા હાલમાં ઘટીને માત્ર 2.80% રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 5,391 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

લગભગ છેલ્લા એક મહિનાથી (27 દિવસ) દૈનિક ધોરણે નવા નોંધાતા દર્દીઓની સરખામણીએ દૈનિક નવા સાજા થતા દર્દીઓની સંખ્યા વધી નોંધાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 24,712 દર્દીઓ કોવિડથી પોઝિટીવ હોવાનું નોંધાયું છે જ્યારે આ સમયગાળામાં જ નવા 29,791 દર્દી સાજા થઇ ગયા હોવાથી સક્રિય કેસના ભારણમાં ઘટાડો સુનિશ્ચિત થઇ શક્યો છે.

ભારતમાં છેલ્લા 11 દિવસથી સતત દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સંખ્યા 30,000 કરતાં ઓછી રહી છે. દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા લગભગ 97 લાખ (96,93,173) થઇ ગઇ છે. સાજા થવાનો સરેરાશ દર વધીને 95.75% થઇ ગયો છે. નવા સાજા થયેલા દર્દીઓમાંથી 79.56% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાથી છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં દેશમાં સર્વાધિક 7,620 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં કેરળમાં 4,808 દર્દી જ્યારે પશ્ચિમ બંગાળમાં 2,153 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા નોંધાયેલા કેસમાંથી 76.48% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા દર્દીઓ નોંધાઇ રહ્યાં છે અને અહીં એક દિવસમાં વધુ 6,169 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં અનુક્રમે 3,913 અને 1,628 દર્દી નવા નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 312 દર્દી મૃત્યુ પામ્યા છે. નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 79.81% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (93) નવા મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં એક દિવસમાં અનુક્રમે 34 અને 22 દર્દી મૃત્યુ પામ્યા છે.

ભારતમાં દૈનિક ધોરણે નોંધાતા મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં દૈનિક ધોરણે મૃત્યુની સંખ્યા 400થી ઓછી નોંધાઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.