ભારતમાં સસ્તો અને સુલભ ન્યાય ક્યારે મળશે ?
આજે ભારતની અદાલતોમાં લગભગ પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે. દેશની કોર્ટોમાં હજુ પણ ૫૫૦૦ પદ ખાલી પડ્યા છે. ૪૦૦થી વધુ પદ તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખાલી છે
પ્રસિદ્ધિ બ્રિટિશ વિચારક જાેન સ્ટુઅર્ટ મિલે લખ્યુ હતુ કે સમય વીતી જાય ત્યાર બાદ મળેલો ન્યાય અન્યાય સમાન જ છે. આપણા દેશમાં આજે પણ અંગ્રેજાેની ચલાવાતી ન્યાય પદ્ધતિ જ અમલમાં છે. આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે, પરંતુ ભારતમાં એક પણ વડા પ્રધાન એવા આવ્યા નથી, જેઓ વિશ્વની સૌથી પ્રાચીન ન્યાય પદ્ધતિ, જે ભારતીય જ છે તેને લાગુ કરવાની કોશિશ કરે.
આ બધી બાબતોનું દુષ્પરિણામ એ આવ્યુ કે આજે ભારતની અદાલતોમાં લગભગ પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે. જે ન્યાય થોડા જ દિવસોમાં મળી જવો જાેઇએ તેને મળવામાં ૩૦-૩૦ અથવા તો ૪૦-૪૦ વર્ષ લાગી જાય છે. કેટલાક કિસ્સામાં તો જજ, વકીલ અને ન્યાય માગનારી વ્યક્તિનું નિધન પણ થઇ જતું હોય છે અને જ્યારે ચુકાદો આવે છે ત્યારે જાણ થાય છે કે તેઓ નિર્દોષ હતા. આવી વ્યક્તિઓની જિંદગી જેલમાં સડીને ખતમ થઇ જાય છે. આખરે તેમનો શું વાંક ?
આવુ કેમ થાય છે ? આવુ એટલે પણ થાય છે કે બિચારા જજ શું કરે ? એક દિવસમાં તેઓ કેટલા કેસના ચુકાદા આપે ? કેટલી દલીલ સાંભળે ? દેશની કોર્ટોમાં હજુ પણ ૫૫૦૦ પદ ખાલી પડ્યા છે. ૪૦૦થી વધુ પદ તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખાલી છે. વર્તમાન સરકારે એક બાજુ આ પદને ભરવા થોડી મહેનત તો કરી છે, પરંતુ જરૂરી એ છે કે તેઓ પાંદડાં પર પાણી છાંટવાના બદલે મૂળમાં લાગેલા કીડાનો ઇલાજ કરે.
કાયદા પંચનું કહેવું છે તે ભારતમાં અત્યારે ૨૦,૦૦૦ જજ છે, આ સંખ્યા બે લાખ હોવી જાેઇએ. આટલા જજની જરૂર નહીં પડે, જાે કાયદા પંચન સમજ યોગ્ય થઇ જાય. તેને જાણ પણ નથી કે આપણી સંપૂર્ણ ન્યાય-વ્યવસ્થા આંખ મીંચીને ચાલી રહી છે. જાે ભારતની કોર્ટોમાં ભારતીય ભાષાઓમાં દલીલ અને ચુકાદાઓ આવવા લાગે તો કેસના ઉકેલ પણ ઝડપથી આવશે. ૨૦થી ૩૦ હજાર જજ ભારત માટે પૂરતા થઇ જશે.
ભારતમાં ૧૮ લાખ વકીલ છે. તેઓ ઓછા નહીં પડે. જાે કોર્ટોમાં ભારતીય ભાષાઓ ચાલવા લાગશે તો ક્યાલન્ટ માટે દલીલો અને નિર્ણયો સમજવાનું પણ સરળ બનશે અને તેમની ઠગાઇ પણ નહીં થાય.
બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે જેવી આ વાત છે. આ ક્રાંતિકારી પરિવર્તન કરવાની હિમત કરે કોણ ? આ કામ એ નેતા કરી શકે, જેઓ પોતાની હીન ગ્રંથિનો શિકાર ન હોય અને જેની પાસે ભારતને મહાશક્તિ બનાવવાની દૃષ્ટિ હોય. જાે સ્વતંત્ર ભારતમાં આપણી પાસે એવા કોઇ મોટા નેતા હોત તો ભારતની ન્યાય-વ્યવસ્થા ક્યારની સુધરી ગઇ હોત.
જાેકે આપણા દેશમાં મોટા ભાગના નેતાઓ નોકરશાહોની ગુલામી કરતા હોય છે. આ ગુલામી ગુપ્ત અને અદૃશ્ય હોય છે. જનતાને તે દેખાતી નથી. નેતાઓને તે સ્વાભાવિક લાગે છે. જાે તેમને પણ આ વાત સમજાઇ જાત તો શું ભારતીય સંસદ હજુ પણ તેમના મૂળ કાયદા અંગ્રેજીમાં બનાવત ?
જે દેશ અંગ્રેજાેનો ગુલામ રહ્યો નથી, જાે તમે તેમના પર નજર નાખો તો તેઓ પોતાના દેશના કાયદા પોતાની ભાષામાં જ બનાવે છે. તેથી તેમની જનતાને મળનારો ન્યાય સસ્તો, સુલભ અને ત્વરિત હોય છે. કોણ જાણે ભારતમાં આવો દિવસ ક્યારે આવશે ?
ભારતના ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે સંસદે કાયદાની સમીક્ષા કરીને તેમાં સુધારો કરવાની જરૂર છે, જેથી તે હાલના સમય અને લોકોની જરૂરિયાને અનુરૂપ બને તથા વ્યવહારુ વાસ્તવિકતા સાથે તાલ મિલાવી શકે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આપણા કાયદા આપણી વ્યવહારુ વાસ્તવિકતા સાથે અનુરૂપ હોવા જાેઇએ. અમલીકરણ અધિકારીઓએ સંબંધિત કાયદાને સરળ બનાવીને આ પ્રયાસોની દિશા કામ કરવું જાેઇએ.
ભારતનું ન્યાયતંત્ર બેવડા પડકારોનો સામનો કરી રહ્યું છે. પ્રથમ પડકાર ન્યાયપ્રણાલીના ભારતીયકરણનો છે. આઝાદીના ૭૪ વર્ષ પછી પણ જીવનના પરંપરાગત માર્ગ પર ચાલતો સમાજ કોર્ટમાં જવામાં ખચકાટ અનુભવે છે. આપણી અદાલતોની કાર્યપ્રણાલી અને ભાષા તેમના માટે તદ્દન અલગ હોય છે. કાયદાની જટિલ ભાષા અને જસ્ટિસ ડિલિવરીની પ્રક્રિયા વચ્ચે સામાન્ય માણસ તેમની ફરિયાદ ભાવિ પર અંકુશ ગુમાવી રહ્યો છે.