ભારતમાં સોનું રૂ.૪૪,૩૦૦ની સૌથી ઉંચી સપાટીએ, ચાંદી રૂ.૫૦,૦૦૦
નવીદિલ્હી: વૈશ્વિક બજારમાં કોરોના વાયરસના વધી રહેલા વ્યાપ અને હવે યુરોપમાં પણ કેસોએ દેખા દીધી હોવાથી વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડશે એવી દહેશતે શેરબજાર જેવી જોખમી અસ્કયામત છોડી સોના જેવી સલામત ચીજોમાં રોકાણ વધી રહ્યું છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના માર્ચ મહિનાથી શરૂ થયેલી તેજી એક યા બીજા કારણોસર આગળ વધી રહી છે.
હાજર બજારમાં અમદાવાદ ખાતે ખુલતી બજારે સોનું રૂ.૧૨૦૫ વધી રૂ.૪૪,૩૧૦ અને મુંબઈ ખાતે રૂ.૧૨૦૦ વધી રૂ.૪૪,૨૨૫ પ્રતિ ૧૦ ગ્રામ થઇ ગયું છે. એમસીએક્સ ઉપર એપ્રિલ વાયદો રૂ.૩૮૪ વધી રૂ.૪૩,૦૫૦ પ્રતિ ૧૦ ગ્રામની સપાટી ઉપર છે. ચાંદીના મુંબઈ હાજરના ભાવ રૂ.૯૨૫ વધી રૂ.૫૦,૦૨૦ અને અમદાવાદ ખાતે રૂ.૯૮૦ વધી રૂ.૫૦,૧૦૦ પ્રતિ કિલો થઇ ગયા છે. એમસીએસક ઉપર માર્ચ વાયદો રૂ.૨૫૯ વધી રૂ.૪૮,૫૬૩ પ્રતિ કિલોનો ભાવ છે.
વૈશ્વિક બજારમાં સોનાના ઊંચા ભાવ અને ડોલર સામે રૂપિયો નબળો પડતા ભારતમાં આજે સોનાના ભાવ ઐતિહાસિક નવી સપાટી પાર કરી ગયા છે. ગત સપ્ટેમ્બરમાં પણ સોનું રૂ.૪૧૦૦૦ની સપાટી સુધી પહોંચી ગયું હતું પણ પછી તેમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. એ સમયે ચાંદીના ભાવ રૂ.૫૧૦૦૦ને પાર કરી ગયા હતા અને હજુ પણ તે સપાટી પાર કરી શક્યા નથી.
વૈશ્વિક બજારમાં સોનાનો હાજર ભાવ ૧૭ ડોલર વધી ૧૬૬૧ ડોલર પ્રતિ ૧૦ ગ્રામ. ન્યૂયોર્ક ખાતે કોમેકસ એપ્રિલ વાયદો ૧૪.૮૦ વધી ૧૬૬૩ ડોલર પ્રતિ ૧૦ ગ્રામ છે. ચાંદી હજારમાં ૧૮.૬૬ ડોલર અને વાયદામાં ૧૮.૭૦ ડોલર પ્રતિ ઔં સ છે. ગત સપ્તાહે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઓગસ્ટ મહિના પછી સૌથી વધુ ઉછળ્યા હતા.