ભારતમાં સૌથી પહેલા વેક્સીનની મંજૂરી માંગનારી ફાઇઝરએ અરજી પાછી ખેંચી
નવી દિલ્હીઃ ભારતમાં સૌથી પહેલા કોવિડ-19 વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગનારી ફાઇઝરએ પોતાનું મન બદલી દીધું છે. અમેરિકાની ફાર્મા. કંપનીએ ભારતમાં આપેલી અરજીને પાછી ખેંચી લીધી છે. સમાચાર એજન્સી રોઇટર્સ સાથેની વાતચીતમાં આ વાતની જાણકારી આપામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે બુધવારે ભારતમાં ડ્રગ રેગ્યુલેટર સાથે થયેલી મુલાકાત બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે.
કંપનીએ કહ્યું કે, મીટિંગમાં વિચાર વિમર્શ અને નિયામક તરફથી માંગવામાં આવેલી વધારાની જાણકારીના આધાર પર કંપનીએ હાલમાં અરજી પરત લેવાનો નિર્ણય લીધો છે. જોકે, રોઇટર્સ સાથેની વાતચીતમાં કંપનીએ એ વાતની શક્યતા વ્યક્ત કરી છે કે વધારાની જાણકારી સાથે ફરી અરજી કરશે. બ્રિટન, બેહરીન, કેનેડા સહિત અનેક દેશોએ ફાઇઝરને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
નોંધનીય છે કે, ફાઇઝરની વેક્સીનને રાખવા માટે -70 (માઇનસ 70) ડિગ્રી જેટલું ખૂબ જ ઓછું તાપમાન રાખવાનું જરૂરી છે. આ વેક્સીનમાં ઇમ્યૂન સિસ્ટમને વાયરસની વિરુદ્ધ તૈયાર કરવા માટે સિન્થેટિક મેસેન્જર RNA (mRNA)નો ઉપયોગ કરવામાં આવે છે. આ વેક્સીનને મંજૂરી આપનારો સૌથી પહેલો દેશ બ્રિટન છે. અહીં 20 મિલિયનની વસ્તી માટે પહેલા જ 40 મિલિયન ડોઝનો ઓર્ડર આપવામાં આવી ચૂક્યો છે.