ભારતમાં હાઇવે પ્રોજેક્ટોમાં ચીની કંપનીઓ ઉપર પ્રતિબંધ

નવી દિલ્હી: લદાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકોની અવળચંડાઈને કારણે ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા, ત્યારથી દેશના લોકોમાં ચીન પ્રત્યે ભારે રોષ ફેલાયેલો છે. આ બાબતને ગંભીરતાથી લઈને ભારત ચીન વિરુદ્ધ આર્થિક કાર્યવાહી કરવામાં સતત આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં ૫૯ ચાઇનીઝ એપ્સ પર સોમાવારે પ્રતિબંધ મૂક્યો તે પછી બુધવારે વધુ આકરાં અને મોટાં પગલાં લઈને ચીનને આર્થિક મોરચે સીધું કરવાની હિલચાલ ભારતે આદરી છે.
ભારતભરમાં હવે ચીની કંપની સાથેના હાઇવે પ્રોજેક્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ બુધવારે કહ્યું કે, ભારત સરકાર હાઇવે પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓની એન્ટ્રી બંધ કરશે. ગડકરીએ કહ્યું કે, ચાઈનીઝ કંપનીઓ સાથે ભાગીદારીમાં પણ ભારતમાં કામ થશે નહીં.
બીજી તરફ, કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસ બીએસએનએલ અને એમટીએનએલ પોતાના ૪જી ટેન્ડર રદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ફરી નવા ટેન્ડર મંગાવવામાં આવશે. કેન્દ્ર સરકારે બીએસએનએલ અને એમટીએનએલને ચીની કંપનીઓ પાસેથી જરુરી પાર્ટસ કે સામાન નહીં ખરીદવા આદેશ આપ્યો હતો, ત્યારબાદ બીએસએનએલ અને એમટીએનએલ એ પોતાના ટેન્ડર રદ કરી દીધાં છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, કોઇ ચાઇનીઝ કંપની જોઇન્ટ વેન્ચર કરી હાઇવે પ્રોજેક્ટ્સમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરશે તો ત્યાં પણ તેને રોકી દેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે એમએસએમઈ સેક્ટરમાં ચાઇનીઝ રોકાણકારોને મહત્વ નહીં મળે. ગડકરીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર આ મુદ્દે ટૂંક જ સમયમાં પોલિસી બહાર પાડશે, જેના આધારે ચાઇનીજ કંપનીઓની એન્ટ્રી બંધ થશે અને ભારતીય કંપનીઓ માટે નિયમો સરળ બનાવવામાં આવશે.
નવા નિયમો થકી હાઇવે પ્રોજેક્ટ્સમાં ભારતીય કંપનીઓને વધારે તક આપવામાં આવશે. આ માટે હાઇવે સેક્રેટરી અને નેશનલ હાઈવે ઓથોરિટીની એક બેઠક પણ યોજાશે, જેમાં ટેન્ડર મુદ્દે ટેકનિકલ અને ફાઇનાન્સિયલ નોર્મ્સ સરળ કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે. ગલવાનમાં ચીની સેનાના ઘાતકી હુમલા બાદ ઈંર્મ્અર્ષ્ઠંંઝ્રરૈહટ્ઠ અભિયાન હેઠળ સૌપ્રથમ ભારતીય રેલવેએ ચીની કંપનીઓના ૪૭૧ કરોડના કોન્ટ્રાક્ટ રદ કરી દીધા હતા. બાદમાં કેન્દ્ર સરકારે એકાએક ૫૯ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.