ભારતમાં ૨૪ કલાકમાં ૩,૨૯,૯૪૨ નવા કેસ
નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની ઝડપ થોડી ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેની સાથે જ મોતના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. ૨૪ કલાકમાં દેશમાં સંક્રમિત થયેલા લોકોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. એક દિવસમાં ૩.૫૬ લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે ૩.૨૬ લાખ નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતોનો આંક બે સપ્તાહ બાદ ઘટ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મંગળવાર ૧૧ મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ૨૪ કલાકમાં દેશમાં ૩,૨૯,૯૪૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૮૭૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૨૯,૯૨,૫૧૭ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૭,૨૭,૧૦,૦૬૬ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૯૦ લાખ ૨૭ હજાર ૩૦૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩,૫૬,૦૮૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૭,૧૫,૨૨૧ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૪૯,૯૯૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૦ મે સુધીમાં ભારતમાં કુલ ૩૦,૫૬,૦૦,૧૮૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારના ૨૪ કલાકમાં ૧૮,૫૦,૧૧૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં એક દિવસમાં ૧૧,૫૯૨ કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ ૧૪,૯૩૧૫ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. દરમિયાન ૨૪ કલાકમાં ૧૧૭ દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે. આમ રાજ્યમાં નવા કેસની સંખ્યા કરતા સાજા થતા દર્દીઓની સંખ્યા વધી છે.