ભારતમાં ૨૪ કલાકમાં ૫૯,૧૧૮ નવા કેસ નોંધાયા
નવીદિલ્હી: ભારતમાં એક તરફ કોરોના વેક્સીનેશનના બીજા ચરણનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં ૫.૫૫ લાખથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. તો તેની સામે કોવિડ-૧૯ સંક્રમણના બીજા વેવે હાહાકાર બોલાવી દીધો છે. તેના કારણે એક્ટિવ કેસોમાં જાેરદાર ઉછાળો નોંધાયો છે. હાલ એક્ટિવ કેસનો આંક ૪ લાખને પાર થઈ ગયો છે. રોજ નોંધાતા મૃત્યુના આંકડા પણ ચિંતામાં વધારો કરી રહ્યા છે. સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક ૨૫૦ની ઉપર નોંધાયો છે.
ભારતમાં કુલ ૫ કરોડ ૫૫ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૯,૧૧૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૫૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૮,૪૬,૬૫૨ થઈ ગઈ છે.
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૨ લાખ ૬૪ હજાર ૬૩૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૨,૯૮૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૨૧,૦૬૬ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૬૦,૯૪૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૫ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૩,૮૬,૦૪,૬૩૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૧,૦૦,૭૫૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.