ભારતમાં 7 મહિનામાં સૌથી ઓછા કેસો, 24 કલાકમાં 12,584 લોકો પોઝિટીવ
યુકેમાં મળી આવેલા કોવિડ વાયરસ નવા સ્વરૂપના કારણે કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 96; છેલ્લા 24 કલાકમાં કોઇ નવા દર્દી ઉમેરાયા નથી
ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સંખ્યા આજે નવા નીચલા સ્તરે રહી હતી. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસની સંખ્યા 12,584 રહી છે જે સાત મહિના પછી સૌથી નીચો આંકડો છે. અગાઉ, 18 જૂન 2020ના રોજ નવા નોંધાયેલા કેસની સંખ્યા 12,881 હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ‘સંપૂર્ણ સરકાર’ અને ‘સંપૂર્ણ સમાજ’ના અભિગમના આધારે અપનાવવામાં આવેલી દીર્ઘકાલિન, સક્રિય અને સહિયારી વ્યૂહનીતિના કારણે દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો થઇ રહ્યો છે. આના કારણે દૈનિક મૃત્યુ સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે મૃત્યુઆંક 167 નોંધાયો છે.
ભારતમાં આજે સક્રિય કેસનું ભારણ ઘટીને 2,16,558 થયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા વધુ ધટીને માત્ર 2.07% રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસના ભારણમાં 5,968 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રીય સહિયારા પ્રયાસોના કારણે, 25 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 5,000થી ઓછી છે.
બીજી તરફ, 32 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 10,000 કરતાં ઓછી છે. પરીક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલી વૃદ્ધિના પરિણામે પોઝિટીવિટી દરમાં પણ ઘટાડો નોંધાયો છે. ભારતમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર 2.06% છે. 22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે.
કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને આજે 1.01 કરોડ (10,111,294) સુધી પહોંચી ગઇ છે જેના પરિણામે સાજા થવાનો દર પણ વધીને 96.49% થઇ ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે જે હાલમાં 98,94,736 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 18,385 દર્દીઓ સાજા થઇ ગયા છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 80.50% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 4,286 દર્દી સાજા થઇ ગયા છે. આ ઉપરાંત, કેરળમાં એક દિવસમાં વધુ 3,922 દર્દીઓ જ્યારે છત્તીસગઢમાં વધુ 1,255 દર્દીઓ દૈનિક ધોરણે સાજા થયા છે.
નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 70.08% દર્દીઓ સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળી આવ્યા છે. કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 3,110 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં ગઇકાલે નવા 2,438 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે છત્તીસગઢમાં વધુ 853 કેસ પોઝિટીવ નોંધાયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 167 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે જેમાંથી 62.28% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હતા. એક દિવસમાં સૌથી વધુ 40 દર્દીના મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે વધુ 20 અને 16 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
યુકેમાં મળી આવેલા કોવિડના વેરિયન્ટ જીનોમથી ભારતમાં સંક્રમિત કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા આજે 96 છે. છેલ્લા 24 કલાકમાં આ સ્વરૂપના કારણે સંક્રમિત થયેલા નવા દર્દીનો ઉમેરો થયો નથી.