ભારતીયોએ લાંબા સમય સુધી કોરોના સાથે જ જીવવુ પડશે, આ છે મોટો પડકાર : નિષ્ણાંતો
નવી દિલ્હી, ભારત ઓક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવાની તૈયારીમાં છે. દેશમાં જે ઝડપે કોરોના વાયરસ મહામારી ફેલાઈ રહી છે, તેને ધ્યાનમાં રાખતા દુનિયાના તમામ દેશોની માફક ભારતમાં પણ વેક્સીન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જોકે તબીબી નિષ્ણાંતોનું માનવું છે કે જો વેક્સીન જલ્દી મળી જાય તો પણ ભારતના લોકોએ વર્ષો સુધી કોરોના વાયસર સાથે જ જીવવુ પડી શકે છે.
તબીબી નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જો કોરોના વાયરસની વેક્સીન જલ્દીથી જ વિકસાવી લેવામાં આવે તો પણ ભારતની 60 થી 70 ટકા વસ્તીનું વેક્સીનનેશન એટલે કે ટિકાકરણ કરાવવામાં જ લગભગ 2 વર્ષનો સમય લાગી જશે. હર્ડ ઈમ્યુનિટી સુનિશ્ચિત કરવા ઓછામાં ઓછા 60 થી 70 ટકા વસ્તીમાં રોગ પ્રતિકારકશક્તિ વધારવી જરૂરી છે.
કોરોનાને લઈને બનાવવામાં આવેલી દિલ્હી સરકારના પેનલના સભ્ય મેક્સ હેલ્થકેરના ડૉક્ટર સંદીપ બુદ્ધિરાજાએ જણાવ્યું હતું કે, જો નિર્ધારીત પ્રોટોકોલ પ્રમાણે આગળ વધવામાં આવે તો હર્ડ ઈમ્યૂનિટી માટે આપણે 60 થી 70 ટકા ટીકાકરણ કરવાની જરૂર રહેશે. જો આપણને ડિસેમ્બર સુધીમાં કોરોનાની વેક્સીન મળી જાય તો પણ ભારતની 60 ટકા વસ્તીનું ટીકાકરણ કરવામાં જ દોઢથી 22 વર્ષ જેટલો સમય લાગી જશે.