ભારતીય આર્મીનું અપમાન કરવાને લઈને એકતા કપૂર પર ક્રિમીનલ કેસ
મુંબઇ, થોડા સમય પહેલા એકતા કપૂરની વેબ સિરીઝ ‘ટ્રિપલ એક્સ ૨’ ને લઈને ઘણો હોબાળો થયો હતો. એકતાની આ વેબ સિરીઝમાં બિગ બોસ ૧૩ ફેમ હિન્દુસ્તાની ભાઉએ ભારતીય સેના અને તેના યુનિફોર્મનું અપમાન કરવા બદલ પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ નોંધાવ્યો હતો, પરંતુ તેના પર કોઈ વિશેષ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પૂર્વ સૈનિકોએ પણ એકતા સામે કેસ કર્યો હતો અને ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે ‘ટ્રિપલ એક્સ ૨’ માં દેશના સૈનિકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
એકતા કપૂરે ભારતીય સૈનિકોની માફી માંગી હતી અને વિવાદાસ્પદ દ્રશ્યોને વેબ સિરીઝથી હટાવી દીધા હતા. પરંતુ હવે હિન્દુસ્તાની ભાઉએ એકતા કપૂર વિરુદ્ધ આ વેબ સિરીઝ અંગેના અનેક રહસ્યોનો પર્દાફાશ કર્યો છે. વેબ સિરીઝમાં ભારતીય સેનાના યુનિફોર્મનું અપમાન કરવા બદલ ભાઉએ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગુનાહિત ફરિયાદ નોંધાવી છે. વિકાસ પાઠક ઉર્ફે ભાઉના એડવોકેટ કાશીફ ખાને માહિતી આપી છે કે આ કેસની સુનાવણી ૨૪ ઓગસ્ટે થવાની છે.
કાશીફ ખાને કહ્યું કે, મારા ક્લાયન્ટે એકતા કપૂર અને અન્ય લોકો સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. પરંતુ હજી સુધી તેના પર કોઈ તપાસ થઈ નથી, તેથી અમે અદાલતમાં ગુનાહિત ફરિયાદ કરી છે. એકતા ઉપરાંત તેની માતા શોભા કપૂર, પિતા જીતેન્દ્ર કપૂર અને તેના વેબ પ્લેટફોર્મ એએલટીબાલાજી પણ આ કેસમાં સામેલ છે.
ભાઉએ અગાઉ જૂન મહિનામાં ‘ટ્રિપલ એક્સ ૨’ સામે કેસ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે સીરીઝમાં એકતા કપૂરે ભારતીય સેનાના સૈનિકો વિશે ખોટી વાતો બતાવી હતી. જ્યારે સૈનિક સરહદ પર દેશની સેવા કરવા જાય છે, ત્યારે સૈનિકની પત્ની પ્રેમીને ઘરે બોલાવે છે અને તેની સાથે સંબંધ બનાવે છે. તેણે સૈનિકનો યુનિફોર્મ પહેર્યો હતો. ઘનિષ્ઠ દ્રશ્ય દરમિયાન, સ્ત્રી યુનિફોર્મમાંથી ફાડી નાખે છે અને તેની મજાક ઉડાવે છે.