ભારતીય ઓલિમ્પિક ટીમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ‘હાઈ ટી’ આમંત્રણ આપ્યુ
નવીદિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલી ટીમના તમામ ખેલાડીઓને૧૪ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ‘હાઈ ટી’ માટે આમંત્રણ આપ્યું છે. તે બાદ ભારતીય ટુકડી લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને વાતચીત કરશે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા છે, જેમાં બરછી ફેંકનાર નીરજ ચોપરાના એથ્લેટિક્સમાં ઔતિહાસિક ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.
ખેડૂતના પુત્ર નીરજ ચોપરાએ ૮૭.૫૮ મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો સાથે બરછીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગોલ્ડ ટોક્યોમાં ભારતનો સાતમો મેડલ હતો, જે તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ઓલિમ્પિક પ્રદર્શન છે. ચોપરાના ગોલ્ડ સિવાય ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સિલ્વર મેડલ વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ અને રેસલર રવિ કુમાર દહિયાએ મેળવ્યા હતા. પીવી સિંધુ, પુરુષ હોકી ટીમ, બોક્સર લવલીના બોરગોહેન અને રેસલર બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
૨૦૦૮ બેઇજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ ચોપરા ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય છે. ઓલમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપરાનું સોમવારે ટોક્યોથી ભારત આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નીરજ ચોપરાની ફેન ફોલોઇંગ પણ રાતોરાત ૩૩ લાખને વટાવી ગઈ છે.
નીરજ ચોપરાને અભિનંદન આપવા માટે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સેંકડો લોકો ભેગા થયા હતા. ચોપરા અને ભારતીય ઓલિમ્પિક ટીમના અન્ય સભ્યોને એરપોર્ટની બહાર નીકળતા જ ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરાયુ હતુ.