ભારતીય ક્રિકેટ ટીમનું એરપોર્ટ ઉપર જાેરદાર સ્વાગત કરાયું
નવીદિલ્હી, ઓસ્ટ્રેલિયન ટીમને તેના ઘરે જ હાર ચખાડીને ટીમ ભારતના ખેલાડીઓ આજે દેશમાં પરત ફર્યા છે. બ્રિસબેનમાં કાંગારું ટીમને માત આપીને ભારતીય ખેલાડીઓએ ટેસ્ટ સીરીઝ પોતાના નામે કરી છે અને આજે સ્વદેશ આવતાં જ એરપોર્ટ ઉપર રમતવીરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતને જીત અપાવવામાં સૌથી મોખરે રહેનાર અને મેન ઓફ ધ મેચ બનનાર ઋષભ પંત સીધા જ દિલ્હી ગયા અને જ્યારે બાકીની ટીમ મુંબઈ અને ચેન્નાઈ ખાતે પરત ફરી છે ત્યારે દિલ્હી અને મુંબઈ એરપોર્ટ ઉપર ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું હતું. આ ખેલાડીઓ બ્રિસ્બેનથી દુબઈ અને ત્યાંથી અલગ અલગ શહેરોમાં પહોચ્યા હતા.
દિલ્હી અને મુંબઈ એરપોર્ટ ઉપર ક્રિકેટરોના ચાહકો તેને ઘેરી વળ્યા હતા અને બુકે આપી તમામનું સ્વાગત કર્યું હતું. જીત મેળવીને દિલ્હી એરપોર્ટ ઉપર પરત ફરેલા પંતે જીતની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છું કે અમે ટ્રોફી જીતવાની પરંપરા જાળવી રાખી છે. જે રીતે અમે સિરીઝ રમી છે એ રીતે અમે ખૂબ જ ખુશ છીએ.
ઉલ્લેખનીય છે કે, આ મેચ દરમિયાન અનેક ભારતીય ક્રિકેટરો ઈજાગ્રસ્ત થયા હોવાથી મેચમા જીતની આશા લગભગ છૂટી ગઈ હતી. વર્ષોનો ઓસ્ટ્રેલિયન ટીમનો રેકોર્ડ હતો કે એ ગાબાની પીચ ઉપર અન્ય ટીમની જીત શક્ય નહોતી ત્યારે અને પડકારો વચ્ચે ટીમ ઈન્ડિયાએ નવો જ રેકોર્ડ કાયમ કરતા અને ભારતની જીત થતા ખૂબ ખુશી જાેવા મળી હતી. આ જ ખુશી ક્રિકેટરોના ફેન્સે સોશિયલ મીડિયા ઉપર તો વ્યક્ત કરી જ હતી સાથે સાથે એરપોર્ટ ઉપર પણ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે અનેક મેચ કેન્સલ થઈ હતી. જ્યારે આ વર્ષે ટીમ ઈન્ડિયા સતત વ્યસ્ત રહેવાની છે ત્યારે જીત માટે ટીમ ઈન્ડિયા તૈયારી કરશે.HS