ભારતીય જવાનોને હથિયારો વિના કોણે જવા દીધા?ઃ રાહુલ ગાંધી
ગલવાનમાં ચીન સાથેની અથડામણ પર વિવાદ-સંધિને કારણે જવાનો તેનો ઉપયોગ ન કરી શક્યા હોવાનો વિદેશમંત્રી એસ. જયશંકરનો ખુલાસો
નવી દિલ્હી, સરકારે શા માટે આર્મીના જવાનોને ચીનની સેના સામે હથિયારો વિના જવા દીધા તેવા રાહુલ ગાંધીની સવાલના જવાબમાં વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, ગલવાનમાં જે જવાનો શહીદ થયા તે હથિયાર વિના નહોતા. તેમની પાસે હથિયાર હતાં.
જોકે, ભારત અને ચીન વચ્ચે ભૂતકાળમાં થયેલી સમજૂતિને કારણે તેઓ હથિયારનો ઉપયગો કરી શકે તેમ નહોતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ગલવાન ઘાટની ઘટના અંગે ફરી એકવાર સરકાર પર નિશાન સાધીને ટિ્વટર પર લખ્યું કે, સરકારે હથિયાર વગર જવાનોને શહીદ થવા માટે કેમ મોકલી દીધા? ચીનની હિંમત કેવી રીતે થઈ કે તે આપણા જવાનોને મારી શકે? આ અંગે વિદેશમંત્રી એસ જયશંકરે ટિ્વટ કરીને જવાબ આપ્યો કે ગલવાનમાં જે જવાન શહીદ થયા તે હથિયાર વગરના નહોતા. તેમની પાસે હથિયાર હતા.
વિદેશ મંત્રીએ સમજૂતીનો હવાલો આપ્યો અને કહ્યું કે, અથડામણ દરમિયાન જવાન આ હથિયારનો ઉપયોગ કરી શકે તેમ નહોતા. રાહુલે બુધવારે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. રાહુલે પૂછ્યું હતું કે, મોદી ચુપ શા માટે છે? આ ઘટનાને શા માટે છુપાવી રહ્યા છે? રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કર્યા હતા.