ભારતીય તટરક્ષકદળની સ્વદેશમાં નિર્માણ પામેલી ઇન્ટરસેપ્ટર બોટને હજીરા ખાતે નિયુક્ત કરવામાં આવી
ભારતીય તટરક્ષકદળની ઇન્ટરસેપ્ટર બોટને હજીરા ખાતે 15 ડિસેમ્બર 2020ના રોજ સુરતના પોલીસ કમિશનર, IPS, શ્રી અજયકુમાર તોમર દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભારતીય તટરક્ષક પ્રદેશ (NW) કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલ PTM, TM તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મહાનુભવ મહેમાનો અને નાગરિક મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઇન્ટરસેપ્ટર બોટ હજીરા સ્થિત મેસર્સ એલ એન્ડ ટી જેટ્ટી દ્વારા સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવી છે અને તે છીછરા
પાણીમાં પણ તરવાની ક્ષમતા સાથે 45 નોટિકલ માઇલની ઉચ્ચ ઝડપ સુધી જવા માટે સક્ષમ છે. આ જહાજ પોતાના ક્ષેત્રમાં અદ્યતન એવા દિશાસૂચન અને સંદેશાવ્યવહારના ઉપકરણોથી સજ્જ છે
જે હાઇસ્પીડ ઇન્ટરસેપ્શન, દરિયાકાંઠાની નજીકમાં પેટ્રોલિંગ, ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો, શોધ અને બચાવ
કામગીરી તેમજ સમુદ્રી દેખરેખ જેવા કાર્યો માટે તૈયાર કરવામાં આવેલા છે.
આ ઇન્ટરસેપ્ટર બોટ કમાન્ડર તટરક્ષક પ્રદેશ (NW) ના પ્રશાસન અને પરિચાલન નિયંત્રણ હેઠળ ગુજરાતમાંથી સંચાલિત કરવામાં આવશે અને હાલમાં ગુજરાતની સમુદ્રી સરહદોમાં દરિયાકાંઠાની સુરક્ષા વધુ ચુસ્ત કરવા માટે ભારતીય તટરક્ષકદળ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો જ એક હિસ્સો છે. વધુમાં, તેના દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદો પર થતી ઘુસણખોરી, દાણચોરી અને ગેરકાયદે માછીમારી જેવી પ્રવૃત્તિઓને રોકવામાં આવશે.