ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મનરેગામાં મજૂરી કરવા મજબૂર
ભારતીય દિવ્યાંગ ક્રિકેટર રાજેન્દ્ર સિંહ ધામી લાૅકડાઉનમાં આજીવિકા માટે મનરેગામાં મજૂરી કરી રહ્યા છે. ૩૦ વર્ષીય રાજેન્દ્ર ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. વર્તમાન સમયમાં તે ઉત્તરાખંડ વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન છે. લાૅકડાઉનના સમયમાં આવકનો કોઈ સ્ત્રોત ઉપલબ્ધ ન હોવાને કારણે તે મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે.
રાજેન્દ્ર સિંહ ધામી ૯૦ ટકા દિવ્યાંગ છે. ૩ વર્ષની ઉંમરે જ ધામી લકવાગ્રસ્ત થઈ ગયા હતા. તેમ છતાં તેમણે હિંમત ન હારી અને ક્રિકેટના મેદાન પોતાના પ્રદર્શનથી ઘણા એવોર્ડ જીત્યા. ધામીએ ઈતિહાસ વિષયમાં માસ્ટર ડિગ્રી પૂરી કરવાની સાથે-સાથે બીએડની ડિગ્રી પણ મેળવી છે. દેશનું પ્રતિનિધિત્વ કરવા છતાં તેમને કોરોનાના સંકટ વચ્ચે આવકના સ્ત્રોત વિના છોડી દેવામાં આવ્યા.
ધામીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ‘લાૅકડાઉન પહેલા રૂદ્રપુરમાં ક્રિકેટ રમવામાં રસ ધરાવતા વ્હીલચેરથી ચાલતા બાળકોને ક્રિકેટ કોચિંગ કરાવતા હતા પણ લાૅકડાઉનને કારણે તે પણ ઠપ્પ થઈ ગયું અને તેનું પરિણામ આ છે. હું પિથોરાગઢમાં પોતાના ગામ રાયકોટ આવી ગયો. અહીં મારા માતા-પિતા રહે છે.’
ધામીએ કહ્યું કે, ‘મારા માતા-પિતા વૃદ્ધ છે.
મારી એક બહેન અને નાનો ભાઈ છે. મારો ભાઈ ગુજરાતની એક હોટલમાં નોકરી કરતો હતો પણ લાૅકડાઉન દરમિયાન તેણે પણ પોતાની નોકરી ગુમાવી દીધી. એટલે મનરેગા યોજના અંતર્ગત મેં મારા ગામમાં કામ કરવાનો નિર્ણય લીધો. સરકાર તરફથી પણ કોઈ મદદ ન મળી. આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય છે.’ ધામી ઉત્તરાખંડ વ્હીલચેર ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરીને મલેશિયા, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોમાં ક્રિકેટ રમી ચૂક્યા છે.
મદદ વિશે પૂછવામાં આવતા ધામીએ કહ્યું કે, ‘કેટલાક લોકો મારી મદદ માટે આગળ આવ્યા છે. તેમાં એક્ટર સોનુ સૂદ પણ છે. સોનૂ સુદે ધામીને ૧૧ હજાર રૂપિયા મોકલ્યા હતા. રૂદ્રપુર અને પિથોરાગઢમાં પણ કેટલાક લોકોએ તેમની આર્થિક મદદ કરી પણ આટલું પૂરતું નહોતું. મને કોઈપણ પ્રકારનું કામ કરવામાં સમસ્યા નથી. મેં મનરેગામાં કામ કરવાનો નિર્ણય એટલે લીધો કારણ કે, ઘરની નજીક રહી શકું. આ કપરો સમય છે, તેમાંથી બહાર નીકળી જઈશુ.’