ભારતીય નૌ સેનામાં સામેલ થઈ વધુ એક મારકણી સબમરિન ‘INS વાગશીર’
નવી દિલ્હી, ભારતીય નૌસેનાએ વધુ એક મારકણી સબમરિનને પોતાના ભાથામાં સામેલ કરી લીધી છે. પ્રોજેક્ટ -75 હેઠળની છઠ્ઠી સબમરિન ‘INS Wagshir’ ને બુધવારે લોન્ચ કરવામાં આવી છે. આ સબમરિનને પણ ભારતે ઘર આંગણે મુંબઈમાં બનાવી છે. સબમરીનના હવે દરિયામાં અલગ અલગ પ્રકારે ટ્રાયલ લેવામાં આવશે અને એ પછી નૌસેના તેનો વિધિવત રીતે ઉપયોગ શરૂ કરશે.
આ સબમરિન સ્કોર્પીયન ક્લાસની ડીઝલ ઈલેક્ટ્રિક સબમરિન છે. જેમાં અત્યાધુનિક ટ્રેકિંગ સિસ્ટમ લગાવાઈ છે. જે દુશ્મન જહાજો અને સબમરિનની ભાળ મેળવી શકે છે. આ સબમરિન 50 દિવસ સુધી પાણીમાં રહી શકે છે.
સબમરિનની આગામી એક વર્ષ સુધી ટ્રાયલ લેવામાં આવશે અને એ પછી નૌસેના તેને અલગ અલગ મિશન પર મોકલશે.
હિન્દ મહાસાગરની એક શિકારી માછલીના નામ પરથી સબમરિનને વાગશીર નામ અપાયુ છે. 1974માં નૌસેનાએ લોન્ચ કરેલી એક સબમરિનનુ નામ વાગશીર હતુ. જેને 1997માં રિટાયર કરાઈ હતી. હવે આ જ નામ નવી સબમરિનને આપવામાં આવ્યુ છે. જે તેનો અત્યાધુનિક અવતાર છે.
વાગશીર સબમરિનને બનાવવામાં ફ્રાન્સનો ટેકનિકલ સપોર્ટ મળ્યો છે.તેનુ નિર્માણ ભારતમાં જ થયુ છે.પ્રોજેક્ટ 75 હેઠળની ચાર સબમરિનો નૌસેનામાં પરિક્ષણો બાદ સામેલ થઈ ચુકી છે. જ્યારે અન્ય એકની વિવિધ ટ્રાયલ હાલમાં ચાલી રહી છે. જેમાં વાગશીરનો પણ ઉમેરો થશે.