ભારતીય પેપર ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં 12 ટકાનો વાર્ષિક વૃદ્ધિદર નોંધાવે તેવી શક્યતા
અમદાવાદ તા. 26 નવેમ્બર 2019 : ભારતીય પેપર ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં 12 ટકાના વાર્ષિક વૃદ્ધિદર નોંધાવે તેવી શક્યતાઓ છે. આ વૃદ્ધિદરને કારણે વર્ષ 2024-25 સુધીમાં સમગ્ર પેપર વપરાશ 24 મિલિયન ટનનો થાય તેવી ધારણા છે. હાલમાં આ વપરાશ વાર્ષિક 15 મિલિયન ટનનો છે.
વિશ્વનો સૌથી મોટો પેપરશો ‘પેપરેક્સ 2019’ તા. 3 ડિસેમ્બર 2019થી તા. 6 ડિસેમ્બર 2019 નવી દિલ્હીમાં યોજાઈ રહ્યો છે. ‘પેપરેક્સ 2019’નું ઉદઘાટન કેન્દ્રિય માર્ગ, પરિવહન અને હાઈવેઝ વિભાગનાં મંત્રીશ્રી નીતિન ગડકરીનાં હસ્તે થશે. આ વર્ષે પેપરેક્સ 2019માં ગુજરાતનું વિશેષ પેવિલિયન પણ પ્રથમવાર રાખવામાં આવ્યું છે.
પેપરેક્સ 2019માં ગુજરાતની 68 પેપર મિલ્સ અને કેટલીક મોટી લિસ્ટેડ કંપનીઓ ભાગ લઈ રહી છે. વિશ્વનાં સૌથી મોટા પેપર શોમાં આ વર્ષ પ્રથમવાર 700 એમએસએમઈ નવી કંપનીઓ / ટ્રેડર્સ પણ ભાગ લેશે.
ગુજરાતમાં હાલમાં 122 કાર્યરત મિલ્સ છે જે વાર્ષિક 62 લાખ ટન જેટલા કાગળનું ઉત્પાદન કરે છે. ભારતના કુલ પેપર ઉત્પાદનમાં ગુજરાતનાં 21 ટકાનો હિસ્સો છે. ભારતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં કાગળની નિકાસ વાર્ષિક 6,60,000 ટનથી વધીને 15,00,000 ટનની થઈ છે. પેપર અને સંબંધિત ઉદ્યોગો ભારતમાં અંદાજે 50 મિલિયન જેટલા લોકોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે રોજગારી પુરી પાડે છે.
હાઈવ ઈન્ડિયાનાં ડાયરેક્ટર, બિઝનેસ ડેવલપમેન્ટ શ્રી ગગન સહાનીએ જણાવ્યું હતું કે ‘14મો પેપરેક્સ ઈન્ટરનેશનલ એક્ઝિબિશન વિશ્વનો સૌથી મોટો પેપર શો છે. પેપરેક્સ તે પેપર ઉદ્યોગ માટેનું યુનિફાઈડ બિઝનેસ પ્લેટફોર્મ છે. આ વર્ષ પેપરેક્સમાં 28 દેશોનાં 700 થી વધુ ટોચનાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. પેપરેક્સમાં ભારતમાંથી સૌથી વધુ વિઝિટર્સ આવે છે. ઈન્ડિયન પેપર એન્ડ મેન્યુ. એસોસિએશનમાં વીપી અને સીઈઓ શ્રી જે પી નારાયણે જણાવ્યું હતું કે,પેપર ઉદ્યોગ તે માનવબળ આધારિત ઉદ્યોગ હોવાથી તે ઘણી નવી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારી પુરી પાડશે.’