ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને ૫ વિકેટે હરાવ્યું
નવી દિલ્હી,ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે દામ્બુલામાં રમાયેલી બીજી ટી૨૦ મેચમાં શ્રીલંકાને પાંચ વિકેટે પરાજય આપ્યો છે. આ જીતની સાથે ભારતીય મહિલા ટીમે ત્રણ મેચની સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. સિરીઝની પ્રથમ મેચમાં ભારતે ૩૪ રને જીત મેળવી હતી અને અંતિમ મેચ ૨૭ જૂને આ સ્ટેડિયમમાં રમાશે.
ભારતે બીજા મુકાબલામાં શ્રીલંકાને નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટ પર ૧૨૫ રન પર રોકી લીધુ અને પછી ૧૯.૧ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાનાએ ૩૪ બોલ પર ૮ ચોગ્ગાની મદદથી ૩૯, શેફાલી વર્મા અને એસ મેઘનાએ ૧૭-૧૭ જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ ૩૧ રન બનાવ્યા.
બીજા છેડે સતત વિકેટ પડવા છતાં કેપ્ટન કૌરે પોતાના અનુભવનો ફાયદો ઉઠાવતા સંયમપૂર્ણ અને મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. તેણે ૩૨ બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. હરમનપ્રીતને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પહેલા યજમાન શ્રીલંકન ટીમે પ્રથમ બેટિંગ કરતા સારી શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે ૮૭ રન જાેડ્યા હતા. પરંતુ ત્યારબાદ ટીમ ધરાશાયી થઈ હતી.
યજમાન ટીમ માટે વિશ્મી ગુણારત્નાએ ૫૦ બોલમાં ૪૫ રન અને કેપ્ટન ચમારી અટાપટ્ટૂએ ૪૩ રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટર બે આંકડા સુધી પહોંચી શક્યો નહીં. ભારત માટે દીપ્તિ શર્માએ બે વિકેટ ઝડપી હતી.SS2KP