ભારતીય માછીમારોની હત્યાનો કેસ બંધ નહીં થાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્લી, ઈટાલીના નૌકાદળના બે સૈનિકો વિરુદ્ધ ચાલી રહેલો બે ભારતીય માછીમારોની હત્યાનો કેસ બંધ નહિ કરવા સુપ્રીમે સરકારને કહી દીધું છે. સુપ્રીમે સ્પષ્ટ કર્યું છે કે કેસ ત્યારે જ બંધ કરવામાં આવશે જ્યારે ઈટાલી માર્યા ગયેલ માછીમારોના પરિવારને વળતર ચૂકવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માછીમારોના પરિવારજનોની પ્રતિક્રિયા જાણ્યા વગર કોઈ ર્નિણય જાહેર કરવામાં નહિ આવે. એક મહિના પહેલાં આંતરરાષ્ટ્રીય કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, આ મામલો ભારતીય કાયદાના કાર્યક્ષેત્રની બહારનો છે. જોકે આંતરરાષ્ટ્રીય કોર્ટે ઈટાલીને વળતર ચૂકવવા જણાવ્યું હતું.
આ ર્નિણય બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ સમક્ષ નેવીના બંને સૈનિકો વિરુદ્ધ કેસ બંધ કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ ઈટાલીના નૌકાદળના બે સૈનિક સેલવાટોર ગિરોન-મૈસિમિલાનો લૈટોરેએ કેરળ નજીક સમુદ્રમાં બે ભારતીય માછીમારોની ગોળી મારીને હત્યા કરી હતી. ભારતે બંને સૈનિકોની ધરપકડ કરી લીધી હતી. આ બાબતે ઇટાલીનું કહેવું હતું કે આ ઘટના ભારતીય સમુદ્ર સરહદની બહાર બની હતી, માટે ભારત કોઈ કાર્યવાહી કરી શકે નહીં. ભારતે કહ્યું હતું કે માર્યા ગયેલ બંને માછીમારો ભારતના હતા તેથી કાર્યવાહી પણ ભારત જ કરશે. ભારતે ઈટાલી નૌકાદળના બંને સૈનિકોને વર્ષ ૨૦૧૫માં જામીન મામલે નરમ વલણ અપનાવતા વોટિંગમાં સામેલ થવા માટે ઇટાલી મોકલ્યા હતા. ત્યારબાદ ઇટાલીએ આ સૈનિકોને ભારત પરત મોકલ્યા નથી.SSS