ભારતીય મૂળના અભિજીત બેનર્જી સહિત બેને અર્થશાસ્ત્રનું નોબેલ
ઓસ્લો: 2019નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ભારતવંશી અભિજીત બેનર્જી, એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને આપવામાં આવ્યો છે. ત્રણેય અર્થશાસ્ત્રીઓને વૈશ્વિક ગરીબી ઓછી કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્ન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિજીત બેનર્જી અમેરિકામાં એમઆઈટીના નામથી પ્રખ્યાત મૈસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. બેનર્જીએ અબ્જુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબની સ્થાપના કરી છે.
અભિજીત વિનાયક બેનર્જી 21 ફેબ્રુઆરી 1961માં કલકત્તામાં જન્મયા હતા. યૂનિવર્સિટી ઓફ કોલકાતા, જેએનયુ અને હાર્વર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તેમણે 1988માં હાર્વર્ડથી પીએચડી કર્યું. અભિજીતના પહેલાં લગ્ન એમઆઈટીના પ્રોફેસર ડૉ. અરુંધતી બેનર્જી સાથે થયા હતા. બંને સાથે સાથે કોલકતામાં ભણ્યા. જોકે 1991માં બંનેના ડિવોર્સ થઈ ગયા. ત્યારપછી અભિજીતે અસ્થર ડુફ્લો સાથે 2015માં લગ્ન કર્યા. અભિજીત સાથે નોબેલ જીતનાર અસ્થર પણ એમઆઈટીમાં પ્રોફેસર છે.
નોબેલ પુરસ્કારની જાહેરાત પછી ડુફ્લોએ કહ્યું છે કે, એક મહિલા માટે સફળ થવું અને સફળતાની ઓળખ બનાવવી શક્ય છે. મને આશા છે કે આનાથી અન્ય પણ ઘણી મહિલાઓને સારું કામ કરવાનું પ્રોત્સાહન મળશે અને પુરુષ તેમને ઉચ્ચ સન્માન આપવા માટે પ્રેરિત થશે. અભિજીત બ્યૂરો ઓફ ધી રિસર્ચ ઈન ઈકોનોમિક એનાલિસિસ ઓફ ડેવલપમેન્ટના પૂર્વ પ્રેસિડન્ટ છે. તેઓ સેન્ટર ફોર ઈકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચના ફેલો અને અમેરિકન એકેડમી ઓફ આર્ટ્સ-સાયન્સ એન્ડ ધી ઈકોનોમિક્સ સોસાઈટીના ફેલો પણ રહી ચૂક્યા છે. અમર્ત્ય સેનને કલ્યાણકારી અર્થસાસ્ત્ર માટે નોબેલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને 1999માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.