ભારતીય મૂળના અમેરિકનને મહત્વની જવાબદારી: ગૌતમ રાઘવન બાઈડનની પર્સનલ ઓફિસના ઈન્ચાર્જ બન્યા
નવી દિલ્હી, અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ભારતીય મૂળના વધુ એક અમેરિકનને પ્રેસિડેન્ટ જો બાઈડને મહત્વની જવાબદારી સોંપી છે.
ભારતીય મૂળના ગૌતમ રાઘવનની જો બાઈડને પોતાની પર્સનલ ઓફિસના પ્રમુખ તરીકે વરણી કરી છે.આ ઓફિસને વ્હાઈટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.જેનુ કામ વ્હાઈટ હાઉસમાં નવી નિમણૂંકો સાથે સંકળાયેલી જવાબદારીઓ પર ધ્યાન આપવાનુ છે.નવા લોકોની નિમણૂંકમાં કાર્યાલય મહત્વનો રોલ અદા કરે છે.
ગૌતમ રાઘવન અત્યાર સુધી આ કાર્યાલયના ડેપ્યુટી ડાયરેક્ટર હતા.બાઈડને કહ્યુ હતુ કે, મને ગૌતમની નિમણૂંક કાર્યાલયના પ્રમુખ તરીકે કરતા ખુશી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ,રાઘવનનો જન્મ ભારતમાં થયો હતો પણ તેમના માતા પિતા સાથે અમેરિકા સ્થાયી થયા હતા.તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે અને એક પુસ્તકનુ સંપાદન પણ કર્યુ છે.
ધ્યાન ખેંચનારી વાત એ છે કે, તેઓ સમલૈંગિક છે અને પોતાના પતિ તેમજ પુત્રી સાથે વોશિંગ્ટનમાં રહે છે.ચૂંટણી બાદ બાઈડન અને કમલા હેરિસની ટીમમાં પસંદ થનારા તેઓ પહેલા વ્યક્તિ હતી.