ભારતીય રેલવેના ૧૪,૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત
૧૮ સપ્ટેમ્બર સુધીમાં મધ્ય રેલવેમાં ૧૩૨૩ કર્મચારીઓ જ્યારે કે પશ્ચિમ રેલવેમાં ૯૯૪ કર્મચારીઓ કોવિડ-૧૯ સંક્રમિત છે.
નવી દિલ્હી, ચાલુ અઠવાડિયામાં ભારતીય રેલવેએ (Indian Railway) સંસદમાં સત્તાવાર રીતે આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૧૮ સપ્ટેમ્બર સુધીમાં મધ્ય રેલવેમાં ૧૩૨૩ કર્મચારીઓ જ્યારે કે પશ્ચિમ રેલવેમાં ૯૯૪ કર્મચારીઓ, એમ ભારતીય રેલવેના કુલ ૧૪,૭૧૪ કર્મચારીઓ કોવિડ-૧૯ (Covid-19) સંક્રમિત છે.
સાઉથ સેન્ટ્રલ રેલવેમાં ૨૨૦૦ (south central railway), સેન્ટ્રલ રેલવેમાં ૧૩૨૩ (Central Railway), ઉત્તર રેલવેમાં ૧૩૦૭, સધર્ન રેલવેમાં ૧૧૪૫ અને પૂર્વ મધ્ય રેલવેમાં ૧૦૧૩ કર્મચારીઓ સંક્રમિત છે. મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિને કાબૂમાં લાવવાની કોશિશ કરી રહ્યા છીએ.
મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે (Central Railway PRO Chief Shivaji Sutare) કહ્યું હતું કે, મધ્ય રેલવે તેના કર્મચારીઓની સુરક્ષા માટે શક્ય તમામ પગલાંઓ લઈ રહી છે. પોતાના એક લાખ કરતાં વધુ કર્મચારીઓની સંભાળ લેવા માટે મધ્ય રેલવેએ રેલ પરિવાર દેખરેખ ઝુંબેશ શરૂ કરી છે, પછીથી આ ઝુંબેશ અન્ય સેક્શનમાં પણ શરૂ કરવામાં આવશે.
આ ઝુંબેશ હેઠળ સ્ટાફમાં માસ્ક, સેનિટાઈઝર્સ અને પીપીઈ કિટ્સની વહેચણી ઉપરાંત તેમને મળતી તબીબી સુવિધાઓમાં પણ સુધારાઓ કરવામાં આવશે. રેલવેની હોસ્પિટલોમાં હવે કુશળ અને તાલીમ ધરાવતો મેડિકલ સ્ટાફ અને ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ રહેશે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ (Western Railway Mumbai) જણાવ્યું હતું કે, મુંબઈ સેન્ટ્રલ સ્થિત જગજીવનરામ હોસ્પિટલમાં કોવિડ-૧૯ રોગીઓની બહેતર સંભાળ માટે ઈન હાઉસ જેઆરએચ એપ ડેવલપ કરવામાં આવી છે. એક વિશેષ પહેલ તરીકે રોગીઓને ભાવનાત્મક સહાય પૂરી પાડવા માટે પશ્ચિમ રેલવેએ બે ક્લીનિકલ સાયકોલોજિસ્ટની સલાહ મેળવી છે.