ભારતીય લશ્કરની તાકાત અને ઘેરાબંધીથી ચીન ફફડ્યું ઉઠ્યું
તણાવમાં ભારતનો હાથ ઉપર, જે ભારતની જીત સમાન છે ચીનની ટીવી ચેનલ પર લદ્દાખ મામલે દુષ્પ્રચાર જારી
નવી દિલ્હી, લદ્દાખમાં ભારત-ચીનની સેનાના જવાનો વચ્ચે ૧૫મી જૂને રાત્રીના સુમારે હિંસક ઝપાઝપી પછી બન્ને દેશો વચ્ચે થયેલી ડિપ્લોમેટિક અને આર્મી લેવલની બેઠકોના છેલ્લા ૪૮ કલાકથી ચાલતા સતત પ્રયત્નો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ મુલાકાત બાદ ચીનના સૈનિકો અંકૂશ રેખા પર તેમની તરફ ૧.૫ કિલોમીટર પાછળ ખસી ગયા છે. એક રીતે જોતાં ચીનની પીછેહઠ થઈ છે અને આ તણાવમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે, જે ભારતની જીત સમાન માનવામાં આવી રહ્યું છે. મોદીએ લદ્દાખ સરહદેથી નામ લીધા વગર ચીનને પડકાર આપ્યો હતો કે તેણે વિસ્તારવાદી નીતિ છોડી દેવી જોઈએ. લદાખ પૂર્વની ગલવાન ઘાટીમાં જ્યાં બન્ને સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી ત્યાંથી હવે ચીની સેના પાછી હટી ગઈ છે.
સૂત્રોની જાણકારી મુજબ બન્ને દેશોની સેના આ હિંસક અથડામણવાળી જગ્યાએથી ૧.૫ કિલોમીટર પાછળ ગઈ છે, જે સંભવત્ ગલવાન વેલી સુધી જ સીમિત છે. હવે આ વિસ્તાર બફર ઝોન બની ગયો છે, જેથી આગળ કોઈ હિંસક અથડામણ ન થાય. આ સિવાય બે અન્ય જગ્યાએથી પણ ચીની સેના પાછી ગઈ છે. બન્ને પક્ષે અસ્થાઈ તંબુ અને કન્સ્ટ્રક્શન પણ હટાવવામાં આવ્યા છે. ભારત અને ચીની સૈનિકોના પાછા જવાની વાતને ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે.
સૂત્રો મુજબ બન્ને દેશોની સેનાઓએ રિલોકેશન પર સંમતિ દાખવી છે અને બન્ને સેનાઓએ વિવાદિત સ્થાનથી પીછેહઠ કરી છે. જોકે બીજી તરફ પૅન્ગગોન્ગ તળાવ પાસે બન્ને દેશોની સેનાએ પીછેહટ કરી નથી. ભારતીય સેના અહીં પીછેહટ એટલા માટે નથી કરવા માગતી, કારણ કે ભારતીય સેના ફિંગર ૪માં છે. આ વિસ્તાર હંમેશાંથી ભારતના કન્ટ્રોલમાં રહ્યો હતો. ભારતે ફિંગર ૮ પર અંકૂશ રેખા(એલએસી) હોવાનો દાવો કર્યો છે. એવામાં મંગળવારે ચુશૂલમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કમાન્ડર સ્તર બેઠકનો કોઈ ઉકેલ આવ્યો નહીં હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતું.