ભારતીય વાયુસેનાનું ૧૮૦ ઓક્સિજન કન્ટેનરનું વહન
નવી દિલ્હી: ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યુ છે ત્યારે અગાઉની દરેક આફતની જેમ આ વખતે પણ વાયુસેના દેશનુ સંકટ દુર કરવા માટે એક્શનમાં આવી છે.
ભારતીય વાયુસેનાએ પોતાના ૪૨ જેટલા માલવાહક વિમાનો અને બીજા ડઝનબંધ હેલિકોપ્ટરને મેદાનમાં ઉતાર્યા છે.જેના થકી કોરોના સામે જરુરી મેડિકલ ઈક્વિપમેન્ટની હેરફેર થઈ રહી છે. ખાસ કરીને દેશમાં ઓક્સિજન સિલિન્ડરની કમી છે ત્યારે વાયુસેનાએ અત્યાર સુધીમાં ૧૮૦ જેટલા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરને જે-તે જગ્યાએ પહોંચાડ્યા છે. તેની સાથે સાથે ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન સાથે સંકળાયેલા બીજા ઉપકરણો અને જરુરી દવાઓનુ પણ ટ્રાન્સપોર્ટેશન કર્યુ છે.
સાથે સાથે રેપિડ એક્શન મેડિકલ ટીમ, નૌ સેનાના ડોકટરો અને બીજા હેલ્થ વર્કરને પણ વાયુસેનાએ એરલિફટ કર્યા છે. આ કામગીરી માટે વાયુસેના દ્વારા સી-૧૭, આઈએલ-૭૬, દસ સી-૧૩૦ , ૨૦ એએન ૩૨ વિમાન અને બીજા હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વાયુસેના દ્વારા વિદેશથી સહાય લાવવાનો સિલસિલો પણ ચાલુ રખાયો છે.બેંગકોક, સિંગાપુર, દુબઈથી ૧૩ ખાલી કાર્યોજેનિક ટેન્કર સ્વદેશ લાવવામાં આવ્યા હતા.જ્યારે ઓક્સિજન ટેન્કરોને પણ દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચડાવમાં આવ્યા છે.