ભારતીય RT-PCRને કેનેડામાં માન્ય રાખવાની માગ
નવી દિલ્હી: ભારતથી કેનેડા જવા માટે કોઈ ડાયરેક્ટ ફ્લાઈટ નથી. ઉપરાંત કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતીય પ્રવાસીઓ માટે કેનેડાની સરકારે નિયમો પણ કડક રાખ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ માટે કેનેડા જવાનો ખર્ચ લગભગ ત્રણ ગણો થઈ ગયો છે. કેનેડાએ ૨૧ ઓગસ્ટ સુધી ભારતથી આવતી તમામ ડાયરેક્ટ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ સમયગાળામાં જાે કોઈ ભારતીય પ્રવાસી કેનેડા જાય તો તેને કેનેડામાં પ્રવેશતાં પહેલા કોઈ ત્રીજા દેશમાંથી કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ મેળવવો પડે છે. મતલબ કે, કેનેડા પહોંચતા પહેલા ભારત સિવાયના કોઈ અન્ય દેશમાં કોરોના ટેસ્ટ કરાવો પડે છે અને તે કેનેડામાં બતાવાનો રહે છે. ટ્રાવેલ એજન્ટ્સની સંસ્થા ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ગુજરાતના પ્રતિનિધિ મંડળે વિદેશ મંત્રાલયમાં આ મામલે રજૂઆત કરી હતી.
કેનેડાની સરકાર ભારતીય આરટી-પીસીઆર રિપોર્ટને સ્વીકારે અને માન્ય રાખીને ભારતીય વિદ્યાર્થીઓ, કાયમી સ્થાનિકો અને વર્ક પરમિટ તેમજ વિઝિટર વિઝા ધરાવતા લોકોને કોઈપણ અડચણ વિના મુસાફરી કરવા દે તેવી માગ અમે કરી છે,
તેમ રાજ્યના પ્રતિનિધિ મંડળે જણાવ્યું. ગુજરાત સ્થિત ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન મનીષ શર્માએ કહ્યું, ભારતથી કેનેડાની ડાયરેક્ટ ફ્લાઈટ નથી અને બીજા દેશમાં થઈને જવું પડે છે જેના લીધે વિદ્યાર્થીઓને વધારાના ૨-૨.૫ લાખ જેટલા રૂપિયા ખર્ચવા પડે છે. ઉપરાંત બીજા દેશમાં થઈને જતાં મુસાફરોને જે-તે દેશના કોરોનાના નિયમો-પ્રતિબંધોનું પાલન કરવું પડે છે. આ નિયમો-પ્રતિબંધોમાં અવારનવાર ફેરફાર આવતા રહે છે.