ભારતી અને લિંબાચિયાએ વધુ એક શો ગુમાવી દીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Bharti.jpg)
મુંબઈ, આજના સમયમાં હાથમાંથી કામ જતું રહે તો ખૂબ દુઃખ થાય છે. ખાસ કરીને તમે વેપારી હો તો થોડા સમય માટે તો તમને અતિશય અફસોસ રહે છે. કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા સાથે પણ આવું જ થયું છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને સબ ટીવી ચેનલ તરફથી ફોન આવ્યો કે, તેઓ ‘ફનહિત મેં જારી’ શોની બીજી સીઝન પ્રોડ્યુસ ના કરે. તેઓ પોતાના બેનર એચ-૩ પ્રોડક્શન હેઠળ પ્રોડ્યુસ કરવાના હતા.
ભારતી અને હર્ષે પોતાનું બેનર ૨૦૧૭માં શરૂ કર્યું હતું. ટૂંકમાં ‘ફનહિત મેં જારી ૨’ શો હાલ તો નથી બની રહ્યો. આ શોની પહેલી સીઝન ભારતી અને હર્ષના બેનર હેઠળ પ્રોડ્યુસ થઈ હતી. આ મુદ્દે વાત કરવા સબ ટીવીના એવીપી કનિકા દુઆનો સંપર્ક કર્યો હતો.
ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું કે, આ વિશે વાત નહીં કરી શકું. શું ભારતી અને હર્ષ શો માટે સમય ના કાઢી શક્યા અને સતત ટાઈમલાઈનનું ઉલ્લંઘન કર્યું? હર્ષે વાતચીતમાં શો તેમના હાથમાંથી જતો રહ્યો હોવાની પુષ્ટિ કરી છે. હર્ષનું માનીએ તો શો બંધ થવાનું એકમાત્ર કારણ બજેટ છે.
અમને ચેનલ તરફથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે બજેટની સમસ્યા છે, તેમ હર્ષે ઉમેર્યું. શોનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું કે કેમ? આ વિશે જવાબ આપતાં હર્ષે કહ્યું, અમે શૂટિંગ શરૂ કરવાના હતા એવામાં જ બીજું લોકડાઉન આવી ગયું. ત્યારબાદ એક પછી એક અડચણો આવી અને પાછું ઠેલાતું રહ્યું. અમે પછી દમણમાં શૂટિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તૈયાર પણ હતા. ત્યારે જ અમને ચેનલ તરફથી શો પ્રોડ્યુસ ના કરવા માટે ફોન આવ્યો હતો. પણ કંઈ વાંધો નહીં. અમે ફરીથી આ ચેનલ સાથે કામ કરવા તૈયાર છીએ. અમે સમજીએ છીએ કે હાલનો સમય મુશ્કેલ છે.SSS