ભારતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં ફેરફાર કરવા નથી કહ્યું : ECB
નવી દિલ્હી: ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની બાકીની મેચોના આયોજન માટે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સીરિઝના કાર્યક્રમમાં ફેરફાર કરવા માટે સત્તાવાર આગ્રહ કર્યો નથી.
બ્રિટિશ મીડિયાના રિપોર્ટ અનુસાર, બીસીસીઆઇ ચાર ઓગસ્ટથી શરૂ થનારી સીરિઝને એક અઠવાડિયા આગળ ખસેડવા માગે છે, જેથી આઇપીએલની બાકીની ૩૧ મેચોનું આયોજન કરી શકાય. પરંતુ ઇસીબીનું કહેવું છે કે, અગાઉથી નક્કી કાર્યક્રમ અનુસાર આ સીરિઝનું આયોજન કરાશે. કેમ કે, ભારતીય બોર્ડે અત્યાર સુધી ફેરફાર માટે સત્તાવાર આગ્રહ કર્યો નથી.
ઇસીબીના એક પ્રવક્તાએ પીટીઆઇને કાર્યક્રમમાં સંભવિત ફેરફાર અંગે કહ્યું કે, અમે બીસીસીઆઇ સાથે વિવિધ મુદ્દાઓ પર નિયમિત રીતે વાતચીત કરીએ છે. ખાસ કરીને જ્યારે કોવિડ-૧૯ સાથે જાેડાયેલા પડકારોનો સામનો કરી રહ્યાં છે, પરંતુ મેચની તારીખોમાં ફેરફારની કોઇ સત્તાવાર વિનંતી કરવામાં આવી નથી. અમે અગાઉના કાર્યક્રમ અનુસાર જ પાંચ મેચની સીરિઝનું આયોજન કરીશું.
આઇપીએલ ૨૦૨૧ની બાકીની મેચોનું આયોજન નહીં થાય તો બીસીસીઆઇને ૨૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે. બાયો-બબલ છતાં કોવિડના કેસ સામે આવતાં લીગ સ્થગિત કરાઇ હતી. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ લેખક માઇકલ આથરટને ધ ટાઇમ્સમાં પોતાની કોલમમાં લખ્યું હતું કે, બીસીસીઆઇએ આઇપીએલ ટુર્નામેન્ટ પૂરી કરવા માટે પાંચ ટેસ્ટ મેચના કાર્યક્રમમાં ફેરફારની સંભાવના અંગે પૂછ્યું છે.
જ્યારે બીસીસીઆઇ સૂત્રોનું કહેવું છે કે, અમે કેટલાક વિકલ્પો અંગે વિચાર કરી રહ્યાં છે. અત્યાર સુધી સત્તાવાર અનુરોધ કરાયો નથી. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ સીરિઝ ઓલ્ડ ટ્રેફર્ડમાં પૂરી થશે. પાંચમી અને છેલ્લી મેચ ૧૦ સપ્ટેમ્બરે શરૂ થશે. જાે ભારત સત્તાવાર આગ્રહ કરશે તો ઇસીબીને પાકિસ્તાન વિરુદ્ધ લિમિટેડ ઓવર્સની સીરિઝ ઉપરાંત તેના મહત્વકાંક્ષી ‘ધ હન્ડ્રેડ’ના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવો પડશે.