ભારતે ઉત્તર લદ્દાખમાં હેવી ટેન્ક ગોઠવી દીધા
૧૭,૦૦૦થી વધુ સૈનિકો અને બખ્તરબંધ વાહનો ગોઠવાયા
નવી દિલ્હી , ચીને લદ્દાખમાં દૌલત બેગ ઓલ્ડી અને દેપસાંગ મેદાનોની વિપરિત દિશામાં ૧૭,૦૦૦થી વધારે સૈનિકો અને બખ્તરબંધ વાહનો ગોઠવ્યા છે. પીપુલ્સ લિબરેશન આર્મી તરફથી કરવામાં આવતા કોઈપણ દુસ્સાહસનો મુકાબલો કરવા માટે ભારતે આ ક્ષેત્રોમાં સૈનિકો અને ટેન્ટ રેજિમેન્ટોની ભારે તૈનાતી કરી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે અમે ડીબીઓ અને ડેપસાંગ મેદાની ક્ષેત્રમાં ટી-૯૦ રેજીમેન્ટ સહિત સેના અને ટેન્કોની ઘણી ભારે તૈનાતી કરી છે.ટી-૯૦ એક બખ્તરબંધ ડિવિઝનનો ભાગ છે.
સૂત્રોએ જણાવ્યું પેટ્રોલિંગ પોઇન્ટ ૧ થી ડેપસાંગ મેદાનો સુધી તૈનાતી કરવામાં આવી છે. જ્યાં એપ્રિલ-મે માં ચીને ૧૭,૦૦૦થી વધારે સૈનિક એકઠા કર્યા છે અને તે પીપી-૧૦થી પીપી-૧૩ સુધી ભારતીય પેટ્રોલિંગને રોકી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બખ્તરબંધ તૈનાતી એવી છે કે ચીન જો કોઈ દુસ્સાહસ કરવાનો પ્રયત્ન કરશે તો પણ તેના માટે આમ કરવું મુશ્કેલ બનશે. સૂત્રોએ કહ્યું કે ચીન દ્વારા ડીબીઓ અને ડેપસાંગની વિપરિત સેના ભેગી કર્યા પહેલા આખા ક્ષેત્રની દેખરેખ એક પહાડી બ્રિગ્રેડ અને એક બખ્તરબંધ બ્રિગ્રેડ દ્વારા કરવામાં આવી રહી હતી પણ ચીનના ખતરાને જોતા આજે ૧૫,૦૦૦થી વધારે સૈનિકો અને ઘણા ટેન્ક રેજિમેન્ટોને સડક અને હવાઇ બંને માર્ગોથી ત્યાં લઈ જવામાં આવ્યા છે.