ભારતે ક્રિકેટ ટીમમાં સુધારો કર્યો એટલે વિશ્વની ટોપ ટીમમાં સામેલ
નવીદિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારત ક્રિકેટના પાયામાં સુધારો કરીને જ વિશ્વની ટોપ ટીમમાં સામેલ થઈ રહ્યું છે. ઈમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ સંરચનામાં સુધારો નહીં કરવાના કારણે વિશ્વ ક્રિકેટમાં પાકિસ્તાન કંઈ કરી નથી શકતું. જાે કે, સાઉથ આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું અને ટીમે ૨-૦થી ટેસ્ટ સિરીઝને પોતાના નામે કરી લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમ લગભગ ૧૪ વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કરી રહી છે.
પાકિસ્તાનના વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે ભારતને જુઓ તે વિશ્વની ટોપ ટીમમાં સામેલ છે. કારણ કે, ભારતે તેના પાયામાં સુધારો કર્યો છે. જાે કે, અમારી પાસે વધારે પ્રતિભા છે, પરંતુ કોઈ પણ કામ કરવા અને પ્રતિભાઓને ઓળખવામાં સમય લાગે છે, પરંતુ મને વિશ્વાસ છે કે, પાકિસ્તાનની ટીમ પણ દુનિયાની ટોપ ટીમમાં આવશે.
પાકિસ્તાન ક્રિકેટના મુખ્ય સંરક્ષકે જણાવ્યું હતું કે, પોતાના વ્યસ્ત કાર્યક્રમના કારણે તેઓ ક્રિકેટને સમય નથી આપી શકતા. ઈમરાન ખાનની કેપ્ટનશિપ હેઠળ જ પાકિસ્તાને વર્ષ ૧૯૯૨માં વિશ્વ કપ પોતાના નામે કર્યો હતો. પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન ઘણા સમયથી સુધરી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બાબર આઝમના વખાણ કરતા કહ્યું હતું કે, તેઓ કેપ્ટન બનવાને લાયક છે.