ભારતે પહેલેથી જ રાખવા જાેઈતા હતા તાલિબાન સાથે સંબંધ: નટવરસિંહ

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથે સત્તા આવ્યા બાદ આખા વિશ્વમાં તેની ચર્ચા છે. ભારત અફઘાનિસ્તાનની મદદ કરતું આવ્યું છે એવામાં ત્યાં તાલિબાનના હાથમાં સત્તા આવ્યા બાદ હવે સ્થિતિને લઈને અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન UPA સરકારમાં દેશના વિદેશ મંત્રી રહી ચૂકેલા કુંવર નટવર સિંહે પોતાના વિચાર રાખ્યા છે. તેમનું કહેવું છે કે અફઘાનિસ્તાન પર કબજા પહેલા ભારતે તાલિબાન સાથે સંપર્ક સ્થાપિત કરવો જાેઈતો હતો.
તેમણે એ વાતની વકીલાત કરી કે જાે અફઘાનિસ્તાનમાં તાલિબાન એક જવાબદાર સરકારની જેમ વર્તન કરે છે તો ભારતે કૂટનૈતિક સંબંધ સ્થાપિત કરવા જાેઈએ.
ઘણા મહત્ત્વના રાજદ્વારીના પદ પર જવાબદારી સંભાળી ચૂકેલા કુંવર નટવર સિંહે એ પણ કહ્યું કે ભારતે વેટ એન્ડ વૉચની પોલિસી લાગુ કરવી જાેઈએ. ૨૦ વર્ષ પહેલાવાળા તાલિબાનમાં અને અત્યારના તાલિબાનમાં ઘણો બદલાવ નજરે પડે છે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે પરિસ્થિતિ વધારે સારી નથી અને મિત્રતાના સંબંધની ઝલક પણ નજરે પડી રહી નથી. આ જ કારણ છે કે ભારત સરકાર ઘણી સાવધાન છે.
તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની ખૂબ નજીક હતું પરંતુ તેઓ દેશ છોડીને ભાગી ગયા અને પરિસ્થિતિ ખૂબ ઝડપથી બદલાઈ ગઇ. અમેરિકા પર નિશાનો સાધતા તેમણે કહ્યું કે અમેરિકનોએ ઘણા આરોપો સહન કરવા પડશે કેમ કે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને સેના પરત બોલાવી લીધી અને તાલિબાન માટે કબજાે જમાવવાનું ખૂબ સરળ થઈ ગયું.
ભારતે તાલિબાન સાથે સંબંધ સ્થાપિત કરવા જાેઈતા હતા? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે જાે હું વિદેશ મંત્રી હોત તો તાલિબાન સાથે જરૂર સંપર્ક સાધ્યો હોત. હું અલગ વલણ અપનાવતા પોતાની ઇન્ટેલિજન્સ એજન્સીને તાલિબાન સાથે ચૂપચાપ સંપર્ક સાધવા કહેતો. અમેરિકાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ગ્વાંતાનામોમાં અમેરિકાએ ક્યૂબા સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો. ભારતે પણ તાલિબાન સાથે સંપર્ક સાધવો જાેઈતો હતો. આપણે ચીન અને પાકિસ્તાનને ચાન્સ આપી શકીએ નહીં.
ચીનની જેમ ભારતે પણ તાલિબાન સાથે સાર્વજનિક રૂપે સંપર્ક કરવો જાેઈતો હતો? આ સવાલ પર તેમણે કહ્યું કે ઓછામાં ઓછું વિદેશ સચિવ સ્તર પર તો ભારતે તાલિબાન સાથે સાર્વજનિક રૂપે સંપર્ક સાધવો જ જાેઈતો હતો. તેમના જણાવ્યા મુજબ હાલનુ તાલિબાન પહેલાના તાલિબાનથી સારું નજરે પડે છે કેમ કે એ લોકો ખુલ્લેઆમ હિન્દુ વિરોધી હતા. તે અત્યારે પણ પાકિસ્તાનની વધારે નજીક છે પરંતુ તેનો અર્થ એ નથી કે ઇસ્લામાબાદ તેને પોતાની શરતો પર ચલાવી શકે. કુંવર સિંહે તેનો ઉલ્લેખ પણ કર્યો કે ભારતે અફઘાનિસ્તાનમાં ૩ અબજ ડોલરનું રોકાણ કર્યું છે.SSS