ભારતે ફરી શ્રીલંકાને મોકલ્યું 76 હજાર ટન ડીઝલ-પેટ્રોલ
નવી દિલ્હી, ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાને ભારત આર્થિક મદદ મોકલી રહ્યું છે. ભારતે ક્રેડિટલાઈન અંતર્ગત શ્રીલંકાને ફ્યુઅલ ક્રાઇસિસમાંથી બહાર નીકળવા માટે ડીઝલ અને પેટ્રોલનો સપ્લાય કર્યો છે.
મંગળવારે અને બુધવારે ભારતથી 36 હજાર મેટ્રિક ટન પેટ્રોલ અને 40 હજાર મેટ્રિક ટન ડીઝલ શ્રીલંકા પહોંચ્યું છે. ભારતે આ પહેલાં પણ 2.70 લાખ મેટ્રિક ટન ફ્યુઅલ શ્રીલંકા પહોંચાડ્યું હતું. ભારત જે પ્રમાણે શ્રીલંકાને મદદ કરી રહ્યું છે એ જોઈને શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થેન્ક યુ કહ્યું છે અને મદદ કરવા માટે ભારતને ‘મોટા ભાઈ’ ગણાવીને આભાર માન્યો છે.
શ્રીલંકાની ડૂબતી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે ભારતે 1 બિલિયન અમેરિકન ડોલરનું ધિરાણ આપવાની જાહેરાત પણ કરી છે. આ દરમિયાન ગોતબાયા સરકારને સતત જનતાનો વિરોધ સહન કરવો પડે છે. બુધવારે શ્રીલંકામાં યુનિવર્સિટીના પ્રોફેસરોએ પણ સરકાર સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.
ભારતને મોટા ભાઈ કહીને શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શ્રીલંકાને મદદ કરવા માટે આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે તમે હંમેશાંની જેમ અમારા સદાબહાર પડોશી છો, અમારા દેશના મોટા ભાઈ અમારી મદદ કરી રહ્યા છે.
અમે ભારત સરકાર અને વડાપ્રધાન મોદીના ખૂબ આભારી છીએ. અમારા માટે સર્વાઈવ કરવું સરળ નથી, બસ ચાલી રહ્યું છે…મને આશા છે કે ટૂંક સમયમાં પરિસ્થિતિઓ બદલાશે અને અન્ય દેશોની મદદથી અમે આ સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.