ભારતે બદલો લીધોઃ POKમાં સર્જીકલ સ્ટ્રાઈકઃ ૩૫ આતંકવાદી સહિત ૬ પાક. સૈનિકો ઠાર
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં તંગધાર માં પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગ માં બે ભારતીય જવાન શહીદ થયા બાદ હવે ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારતીય સેનાએ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવતાં આર્ટિલરી ગનથી ગોળામારો કર્યો. ભારતીય સુરક્ષા દળો તરફથી કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આતંકી સંગઠન જૈશ અને હિજબુલના ૩૫ આતંકવાદીઓની સાથે ૬ પાકિસ્તાની સૈનિકોનાં મોત થયાના અહેવાલ છે.
બીજી તરફ પાકિસ્તાને દાવો કર્યો છે કે, પાકિસ્તાની સેનાની ફાયરિંગમાં ૯ ભારતીય જવાન માર્યા ગયા છે. ભારતીય સેનાની ફાયરિંગમાં એક પાકિસ્તાની સૈનિકના મોતની વાત પણ સ્વીકારી છે. જોકે, કોઈ દાવાની હજુ સુધી અધિકૃત પુષ્ટિ નથી થઈ શકી. પાકિસ્તાન અને ભારતની વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સાથે વાત કરી છે. રક્ષા મંત્રી આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે અને તેઓએ સેના પ્રમુખને આ ઘટના સાથે જોડાયેલી તમામ અપડેટ આપવા માટે કહ્યુ છે.
પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા ઘૂસણખોરીના પ્રયાસોની વચ્ચે ભારતીય સેના એ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સ્થિત આતંકી કેમ્પો પર હુમલા કર્યા છે. મૂળે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી આતંકીઓની ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસમાં મદદ કરી રહી હતી. આ તમામ ગતિવિધિઓને જોતાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને પીઓકેમાં સ્થિત આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દીધા છે.
ભારતીય સેનાએ પોઓકેની અંદર સ્થિત આતંકવાદી શિબિરો પર હુમલો કર્યો છે. આ હુમલો જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરની સામે સ્થિત આતંકવાદી કેમ્પો પર કરવામાં આવ્યા છે. સેનાએ પાકિસ્તાનની નાપાક હરકતને જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ પાકિસ્તાનના કાવતરાના જવાબમાં આ હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, પાકિસ્તાન તરફથી આ આતંકવાદી કેમ્પમાં હાજર આતંકવાદીઓને ભારતીય સીમામાં ઘૂસણખોરી કરાવવાની તૈયારી ચાલી રહી હતી. જેની જાણ થતાં જ સેનાએ જવાબી કાર્યવાહીમાં આ હુમલો કર્યો છે.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાની સેનાએ ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ફાયરિંગ કર્યું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બે જવાન શહીદ થયા જ્યારે એક નાગરિકનું મોત થયું. ફાયરિંગમાં ત્રણ અન્ય લોકો ઘાયલ થવાના અહેવાલ છે. મળતા અહેવાલો મુજબ, પાકિસ્તાન તરફથી મોર્ટાર પણ છોડવામાં આવ્યા. જેના કારણે તંગધારનું એક ઘર અને ચોખાનું ભંડાર ગૃહ સમગ્રપણે ધ્વસ્ત થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. આ ઘટનામાં બે કાર, બે ગૌશાળા અને ૧૯ ઘેટાંના પણ મોત થયા છે.