ભારતે મલેશિયાથી આવતાં પામ ઓઇલની આયાત પર રોક લગાવી
નવી દિલ્હી, સીએએના વિરોધમાં નિવેદન આપનાર મલેશિયા પર ભારતે કાર્યવાહી કરી છે. ભારતે મલેશિયાથી પામતેલની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત હવે માઇક્રો પ્રોસેસ અને કમ્પ્યુટર પાર્ટસની આયાત પર રોક લગાવાની તૈયારી થઇ રહી છે. જો કે ભારતે આ પગલુ ત્યારે ભર્યું છે જ્યારે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ કાશ્મીર મુદ્દાથી માંડીને નાગરિકતા કાયદા અંગે ભારતની તીખી ટીકા કરી ચૂકયા છે. મહાતિરે નાગરિકતા કાયદા અંગે કહ્યું હતું કે, આ સંપૂર્ણ રીતે અયોગ્ય છે.
આ ઉપરાંત વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મગુરૂ જાફિર નાઇકને શેલ્ટર આપવાથી પણ ભારત નારાજ છે. જમ્મુ-કાશ્મીર પર મલેશિયાનું નિવેદન ભારત માટે એક રીતે મોટો ઝટકો હતો. કારણ કે ભારત અને મલેશિયા વચ્ચે મોટા પાયે વેપાર થાય છે. વર્ષ ૨૦૧૯માં મલેશિયાના પામતેલનું ભારત સૌથી મોટું ખરીદદાર હતું. ગયા વર્ષે ભારતે મલેશિયાની ૪૦.૪ લાખ ટન પામતેલ ખરીદ્યું હતું.
ભારતમાં ખાવામાં ઉપયોગમાં લેનાર તેલોમાં પામતેલનો ભાગ બે તૃતિયાંશ છે. ઇન્ડોનેશિયા બાદ મલેશિયા વિશ્વનો સૌથી મોટો પામતેલ ઉત્પાદક અને નિર્યાતક દેશ છે પરંતુ હવે ભારતે પામતેલની ખરીદારી મલેશિયાથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે મલેશિયાની જગ્યાએ હવે ઇન્ડોનેશિયા પાસેથી પામતેલ લેવાનો નિર્ણય લીધો છે. જો કે ગયા સપ્તાહે મલેશિયાઇ સરકાર ભારત સાથે વાતચીત કરીને પહેલ કરી હતી.