ભારતે યુએનમાં પાકિસ્તાનને આડેહાથ લીધું: સૌ જાણે છે મુંબઈ-પુલવામાના હુમલાખોરો ક્યાંથી આવ્યા હતા
નવીદિલ્હી, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું છે કે દુનિયા જાણે છે કે ૨૦૦૮માં મુંબઈમાં,૨૦૧૬માં પઠાણકોટ અને ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના ગુનેગારો ક્યાંથી આવ્યા હતા અને આ દુઃખદ વાત છે. આવા ‘કાયર’ કૃત્યો કરનારા પાડોશી દેશના સહકાર અને આતિથ્યનો આનંદ માણી રહ્યા છે.આપણે સૌ જાણીએ છીએ હુમલાખોરો ક્યાંથી આવ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના કાઉન્સિલર રાજેશ પરિહારે સોમવારે કહ્યું કે બરાબર ૩ વર્ષ પહેલાં ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ૪૦ બહાદુર ભારતીય સુરક્ષાકર્મીઓ પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા.
પરિહારે દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાના સભ્ય દેશો સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટોરેટ ઑફ કાઉન્ટર-ટેરરિઝમ કમિટીના કાર્ય પર ખુલ્લી ચર્ચા દરમિયાન ભારતનું રાષ્ટ્રીય નિવેદન આપ્યું હતું, જેમાં કહ્યું હતું કે, ‘દુનિયા ૨૦૦૮માં મુંબઈ આતંકવાદી હુમલા, ૨૦૧૬માં પઠાણકોટ આતંકવાદી હુમલા અને ૨૦૧૯માં પુલવામા આતંકવાદી હુમલાની ભયાનકતાની સાક્ષી બની. આપણે બધા જાણીએ છીએ કે આ હુમલા કરનારા હુમલાખોરો ક્યાંથી આવ્યા હતા.
પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ અફસોસજનક છે કે આ હુમલાઓના પીડિતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને આ હુમલાને અંજામ આપનારા હુમલાખોરો, આમાં સહયોગ કરનારા અને આર્થિક મદદ કરનારાઓ હજુ પણ આઝાદ ફરે છે તેમજ દેશના સહયોગ અને આતિથ્ય-સત્કારનો આનંદ લઇ રહ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને માર્યા ગયેલા અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને ‘શહીદ’ ગણાવ્યો હતો. આનો ઉલ્લેખ કરતાં પરિહારે કહ્યું, “આતંકવાદનું આ કેન્દ્ર એવા આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે કે જેઓ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત ૧૫૦ સંસ્થાઓ અને વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે અને તેના નેતાઓ ઘણીવાર આતંકવાદીઓની પ્રશંસા કરે છે અને તેમને ‘શહીદ’ કહે છે.”
પરિહારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત આ આતંકવાદી હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે ‘સંપૂર્ણપણે પ્રતિબદ્ધ’ છે. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય ‘આતંકવાદના કેન્દ્ર આ દેશ’થી તેના ક્ષેત્રમાં સક્રિય અને તેના નિયંત્રણ હેઠળ કાર્યરત આતંકવાદી સંગઠનો સામે વિલંબ કર્યા વિના અસરકારક, વિશ્વસનીય, ચકાસી શકાય તેવી અને મજબૂત કાર્યવાહી કરે. ભારતે કહ્યું કે વિશ્વએ આતંકવાદી માસ્ટરમાઇન્ડ્સને જવાબદાર ઠેરવવાની જરૂર છે.કટ્ટરપંથી અને સાંપ્રદાયિક વિચારધારાથી આતંકવાદને વેગ મળ્યો.
પરિહારે કહ્યું, “અમે ખ્રિસ્તીઓ, હિંદુઓ અને શીખો સહિત વંશીય, સાંપ્રદાયિક અને ધાર્મિક લઘુમતીઓ પર વારંવાર આતંકવાદી હુમલા જાેયા છે. અમારા પાડોશી દેશમાં ઉગ્રવાદી વિચારધારાના વિકાસને કટ્ટરવાદી સંગઠનોના આશ્રયથી વેગ મળ્યો છે.
દેશ દ્વારા કટ્ટરપંથી અને સાંપ્રદાયિક વિચારધારાને મુખ્ય પ્રવાહમાં લાવવાથી આ ક્ષેત્રમાં આતંકવાદી માળખાના વિકાસ માટે યોગ્ય વાતાવરણ ઉભું થયું છે.
તેમણે કહ્યું કે, ભારત આતંકવાદ સામેની સામૂહિક વૈશ્વિક લડાઈમાં મોખરે રહ્યું છે અને આતંકવાદ પ્રત્યે ‘શૂન્ય સહિષ્ણુતા’ની નીતિ પર કામ કરી રહ્યું છે.
૨૦૧૯ની શરૂઆતમાં પુલવામા અને શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાઓને યાદ કરતાં યુએન સુરક્ષા પરિષદની કાઉન્ટર-ટેરરિઝમ કમિટીના અધ્યક્ષ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે આઇએસઆઇએલ, અલ-કાયદા અને યુએન દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી જૂથો અને ‘એક દેશની જમીન અને સીમા પારથી પોતાની ગતિવિધિઓ સંચાલિત કરી રહેલા લોકો સામાન્ય નાગરિકો અને સૈન્ય માળખાને નિશાન બનાવવાનું યથવાત રાખી રહ્યા છે.HS