ભારતે G-20 દેશોને પરવડે તેવી કિંમતે આવશ્યક દવાઓ, સારવારો અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવા માટે આહ્વાન કર્યું
ભારતે G-20 દેશોને પરવડે તેવી કિંમતે આવશ્યક દવાઓ, સારવારો અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવા માટે આહ્વાન કર્યું છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલી બીજી G20 વર્ચ્યુઅલ વ્યાપાર અને રોકાણ મંત્રીઓની બેઠકમાં હસ્તક્ષેપ કરતા ભારતના વ્યાપાર અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે G20 સભ્યોને કહ્યું હતું કે, સૌથી પહેલાં અને તાકીદના ધોરણે એવા નક્કર પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેનાથી સમગ્ર દુનિયામા કોરોના વાયરસની મહામારીના કારણે લોકો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેને હળવી કરી શકાય. મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, ભારતને વ્યાપકપણે ‘દવાઓની દુનિયા’ તરીકે ગણવામાં આવે છે અને ભારતે આ બીમારીની અસરકારક રીતે સારવારમાં અને રસી વિકસાવવાના વૈશ્વિક પ્રયાસોમાં સક્રિયપણે ભાગીદારી નિભાવી છે.