ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ મેચ ડ્રો
મુંબઈ, ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી એકમાત્ર પિંક બોલ ટેસ્ટ ચોથા દિવસે ડ્રો પર સમાપ્ત થઈ હતી. ભારતે ચોથા અને અંતિમ દિવસે ચા બાદ બીજા દાવને ત્રણ વિકેટે ૧૩૫ પર ડિકલેર કરતા ૩૨ ઓવરમાં જીતવા માટે ઓસ્ટ્રેલિયાને ૨૭૧ નો ટાર્ગેટ આપ્યો હતો. ડ્રો માટે હાથ મિલાવતા પહેલા ઓસ્ટ્રેલિયન ટીમે ૩૨ રનમાં બે વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે પ્રથમ દાવ ૧૪૫ ઓવરમાં આઠ વિકેટે ૩૭૭ રને ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાના પ્રથમ દાવમાં ૯ વિકેટે ૨૪૧ રન બનાવ્યા હતા.
ભારતીય મહિલા બોલરોએ ઓસ્ટ્રેલિયા સામે મજબૂત પ્રદર્શન કર્યું હતુ. જેનાથી ભારતને યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ સામે મોટી લીડ મળી હતી. ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પ્રથમ ઇનિંગમાં શાનદાર ટેસ્ટ સદી ફટકારી હતી. મંધાના ડે નાઈટ ટેસ્ટમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. તેમજ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર તે દેશની પ્રથમ મહિલા ખેલાડી બની હતી.
મંધાનાએ ૨૧૬ બોલમાં ૨૨ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૨૭ રન બનાવ્યા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૩૭૭ રને ઈનિંગ જાહેર કરી હતી. મંધાના ઉપરાંત દીપ્તિ શર્માએ ૬૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી. શેફાલી વર્માએ ૩૧ અને કેપ્ટન મિતાલી રાજે ૩૦ રન બનાવ્યા હતા.HS