ભારત અને જર્મની વચ્ચે ૨૦ સમજુતી પર હસ્તાક્ષર
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના ચાન્સલર એન્જેલા માર્કેલે સાથે વ્યાપક વાતચીત કરી હતી અને કહ્યું હતું કે ભારત અને જર્મનીએ આંતકવાદના ખતરાને પહોંચી વળવા માટે દ્ધિપક્ષીય અને બહુપક્ષીય સહકારને વધારવા માટે રાજી થયા છે. હૈદારબાદ હાઉસમાં મોદી અને માર્કેલ વચ્ચે ઐતિહાસિક શિખર બેઠક યોજાઈ હતી. જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
આ વાતચીત બાદ બંને દેશના નેતાઓ તરફથી સંયુક્ત નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું. જર્મનીની સાથે મજબુત સંબંધોને પ્રાથમિકતા આપવાની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે ૨૦ સમજુતી પર હસ્તાક્ષર થયા છે. આતંકવાદ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દા ઉપર બંને દેશો સાથે મળીને કામ કરવા રાજી થયા છે. ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ, કૃષિ, શિક્ષણ સહિતના જુદા જુદા ક્ષેત્રોમાં કુલ ૨૦ સમજુતી થઈ છે.
ડિફેન્સ સેક્ટરમાં રોકાણ કરવા જર્મનીના ઉદ્યોગપતિઓને મોદીએ અપીલ કરી હતી. આ સાથે બન્ને દેશે અવકાશ, નાગરિક ઉડ્ડયન, મેરિટાઈમ ટેકનોલોજી, મે ડિસિન તથા શિક્ષણ જેવા ૧૧ જેટલા ક્ષેત્રને લગતી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. નવી અને અત્યાધુનિક ટેકનોલોજી, આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ, સ્કીલ્સ, શિક્ષણ, સાઈબર-સિક્યુરિટીઝ જેવા ક્ષેત્રોમાં સમજૂતી બન્ને દેશ વચ્ચેના દ્વિપક્ષિય સંબંધોને મજબૂત બનાવશે. આ પ્રસંગે ચાન્સલર મર્કેલે કહ્યું- અમે ઈચ્છીએ છીએ કે સ્થિર વિકાસ અને જળવાયુ સુરક્ષા માટે બન્ને દેશ સાથે ગંભીરતાથી લાંબા સમય સુધી કામ કરે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે અમે આતંક સામેની લડાઈમાં અમારા દ્વિપક્ષીય સંબંધો અને સહયોગને વધારે મજબૂત કરશું. મોદીએ કહ્યું બન્ને દેશના સંબંધ લોકતાંત્રિક અને કાયદાકીય બાબત પર આધારિત છે. આ જ કારણ છે કે વિશ્વના સૌથી મોટા અને ગંભીર મુદ્દા પર અમારા વિચારો એક સમાન છે. અમે જર્મનીના આભારી છીએ કે તે નિકાસ નિયંત્રણ ક્ષેત્રમાં ભારતની સદસ્યતાનું સમર્થન કરે છે. બન્ને દેશ આ પ્રયાસ કરતા રહેશે,
જેથી પરસ્પરનો સહયોગ જળવાઈ રહે. આ અગાઉ મર્કેલે કહ્યું જર્મનીમાં ૨૦ હજાર ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. અમારી ઈચ્છા છે કે આ સંખ્યા હજુ પણ વધે. અમે ઈચ્છીએ છીએ કે વોકેશનલ ટ્રેનિંગ માટે ટીચર્સ એક્સચેન્જ પ્રોગ્રામ પણ શરૂ થાય. બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત અને જર્મનીનું ધ્યાન નવી અને એડવાન્સ ટેકનોલોજી, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ, સ્કીલ્સ, એજ્યુકેશન તથા સાયબર સિક્યોરિટી જેવી બાબત અંગે સહયોગ વધારવા પર છે. આ અગાઉ ભારત અને જર્મનીના અધિકારો વચ્ચે ડેલિગેશન સ્તરની વાટાઘાટ થઈ હતી. રાષ્ટ્રપતિ ભવનમાં ચાન્સલર મર્કેલનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને જાતે મળવા માટે ગયા હતા. મર્કેલે રાજઘાટ જઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. મર્કેલ ભારતના બે દિવસના પ્રવાસ પર છે. ભારત-જર્મની સંબંધોના મહત્વતા અંગે મર્કેલે કહ્યું બન્ને દેશ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે.