ભારત અને માલ્દિવ્સ વચ્ચે આજથી સીધી કાર્ગો ફેરી સર્વિસ શરૂ થઈ
પોતાની પ્રથમ સફર દરમિયાન 200 ટીઇયુ અને 3000 એમટી બ્રેક બલ્ક કાર્ગોની ક્ષમતા ધરાવતું જહાજ આજે તુતિકોરિનથી કોચીની સફર કરશે, જ્યાંથી જહાજ ઉત્તર માલદિવ્સમાં કુલ્હુધુફુશી પોર્ટ તરફ આગળ વધશે અને પછી માલે પોર્ટ પહોંચશે.
આ જહાજ 26 સપ્ટેમ્બર, 2020ના રોજ કુલ્હુધુફુશી પોર્ટ પર પહોંચશે અને 29 સપ્ટેમ્બર, 2020ના રોજ માલે પહોંચશે. આ ફેરી સર્વિસ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઓપરેટ કરે છે, જે મહિનામાં બે વખત ચાલશે તેમજ ભારત અને માલ્દિવ્સ વચ્ચે ચીજવસ્તુઓના પરિવહનના આ વાજબી, પ્રત્યક્ષ અને વૈકલ્પિક માધ્યમો પ્રદાન કરશે.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, આ સર્વિસ ભારત અને માલ્દિવ્સ વચ્ચે વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક સીમાચિહ્ન છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ પ્રત્યક્ષ કાર્ગો સર્વિસ લોકો વચ્ચેના સંપર્ક અને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપીને ભારત અને માલ્દિવ્સ વચ્ચેના સંબંધોને વધારે ગાઢ બનાવશે.
માલ્દિવ્સના કેન્દ્રીય પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રી સુશ્રી ઐશથા નહુલાએ સેવા શરૂ કરવા બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી, જે ભારત અને માલ્દિવ્સ વચ્ચે ગાઢ મૈત્રીપૂર્ણ અને સહકારના સંબંધોને પ્રતિબિંબિત કરે છે.
આ સર્વિસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે જૂન મહિના દરમિયાન માલ્દિવ્સની યાત્રા દરમિયાન વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતા પૂર્ણ કરવાના પ્રતીક સમાન છે. ઉપરાંત વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે 13 ઓગસ્ટ, 2020ના રોજ એમની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન પણ આ ફેરી સર્વિસની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ભારત અને માલ્દિવ્સના જહાજ મંત્રાલય, વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.