ભારત અને વિયેતનામની નૌસેનાની સહિયારી કવાયત થશે
નવી દિલ્હી, ભારત અને વિયેતનામની નૌકા સેના આવતી કાલથી બે દિવસની સહિયારી કવાયત સાઉથ ચીની સમુદ્રમાં કરવાના છે. સ્વાભાવિક રીતેજ આ ઘટનાથી ચીન અપસેટ થયું હતું કારણ કે આ વિસ્તારમાં ચીન પોતાની સૈન્ય સંખ્યા વધારી રહ્યું હતું.
આ કવાયતનો હેતુ બંને દેશો વચ્ચે સામુદ્રિક સહકાર વધારવાનો છે એમ સરકારી પ્રવક્તાએ કહ્યું હતું. સેન્ટ્રલ વિયેતનામમાં આવેલા વિનાશક પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોને રાહત આપવા ભારતીય નૌકાદળનું એક જહાજ આઇએનએસ કિલ્ટન વિયેતનામ ગયું છે. પાછાં ફરતાં આ જહાજ સહિયારી કવાયતમાં સહભાગી થશે.
સાઉથ ચાઇના સીમાં ચીન પોતાનું સૈન્ય સંખ્યાબળ વધારી રહ્યું છે એવા સમયે આ સહિયારી કવાયત યોજાઇ રહી હતી એટલે સ્વાભાવિક રીતેજ આખી દુનિયામાં એક પ્રકારની ચિંતા પ્રવર્તી રહી હતી. સંરક્ષણ ખાતાએ જણાવ્યા મુજબ સેન્ટ્રલ વિયેતનામમાં આવેલા પૂરનો ભોગ બનેલા લોકોને રાહત આપવા આઇએનએસ કીલ્ટન ગુરૂવારે 15 ટન રાહત સામગ્રી લઇને હો ચી મીન્હના ના રંગ બંદરે પહોંચ્યું હતું. રાહત સામગ્રી આપ્યા બાદ 27 ડિસેંબરે આ જહાજ પાછું ફરતી વખતે સાઉથ ચાઇના સીમાં વિયેતનામી નૌકા દળ સાથે સહિયારી કવાયતમાં જોડાશે.
આ સપ્તાહના આરંભે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિયેતનામના વડા પ્રધાન ગુયન જુઆન ફૂક વચ્ચે ડિજિટલ શિખર પરિષદ યોજાઇ હતી. એ પ્રસંગે બંને દેશોએ સામુદ્રિક સહકાર વધારવા સાથે સંરક્ષણ ક્ષેત્રમાં પણ સહકાર વધારવાની ચર્ચા કરી હતી. એને અનુસંધાનમાં આ સહિયારી કવાયત થવાની છે.